સુપ્રીમ કોર્ટે VIPઓને બિનજરૂરી સુરક્ષા પૂરી પાડવા અંગે રિપોર્ટ માંગ્યો
વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ, પોલીસ અધિકારીઓ અને ગોધરા કેસના સાક્ષીઓ તથા અસરગ્રસ્તો મળી અમદાવાદના 157 મળી ગુજરાતના 400થી વધુ વીઆઈપીઓની સુરક્ષા અંગેનો અહેવાલ તૈયાર કરવા પોલીસે કમર કસી છે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે માંગેલા અહેવાલ બાદ કેટલાક વીઆઈપીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે.
વીઆઇપીઓની સુરક્ષામાં પોલીસની વ્યસ્તતા અંગે લીવ પીટીશનના પગલે સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યો પાસેથી વિગતો મગાવી છે. આ વિગતો અંતર્ગત અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારમાં વી.આઈ.પી.ઓને ફાળવાયેલી સુરક્ષા અંગેનો અહેવાલ આપવા જણાવાયું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ અહેવાલમાં મુખ્યત્વે આ બાબતોનો સમાવેશ કરવામાં આવશે. (1) કેટલા વી.આઈ.પી.ને સિક્યુરિટી ફાળવાઈ છે? (2) આ માટે કેટલા માણસો ફાળવાયેલા છે? (3) જેમને સિક્યુરિટી ફાળવાઈ છે તે વી.આઈ.પી. સામે કોઈ ગુના નોંધાયેલા છે? (4) કેટલા સમયથી સુરક્ષા અપાઈ છે અને હજુ કેટલો સમય સુરક્ષા જોઈએ છે? અને (5) સુરક્ષા પાછી ખેંચી શકાય તેમ છે કે કેમ?
આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય પ્રજાજનોની સુરક્ષા જળવાતી નથી અને વીઆઇપીની સુરક્ષા માટે પોલીસ રોકાયેલી રહે છે. તેવી વર્ષ 2010માં થયેલી લીવ પીટીશન બાબતે સુપ્રિમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારોને આ વિગતો આપવા આદેશ કર્યો છે. ગુજરાતમાં કુલ 401 વીઆઇપીની સુરક્ષામાં 1113 જવાનો તહેનાત કરાયેલાં છે. આ આદેશ બાદ કેટલાક વીઆઇપીઓએ પોતાની સુરક્ષા ચાલુ રહે તે માટે લાગવગ લગાવવાનું શરૂ કરી દીધું છે.