ભાજપના વિકાસને જનતાએ સ્વીકાર્યો છે: અમિત શાહ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યમાં ભાજપ દ્વારા 'અડીખમ ગુજરાત' કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મતદારોને આકર્ષવા માટે યુવા લક્ષી વિવિધ કાર્યક્રમો આપી રહ્યું છે, આ જ શ્રેણીમાં રવિવારે અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય સભાગુહ ખાતે સંવાદ કાર્યક્રમ યુવા ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યના 1.5 લાખ યુવાનો સાથે સંવાદ કર્યો હતો અને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમ માટે સોશિયલ મીડિયા પર યુવાનો દ્વારા 3 લાખથી પણ વધુ પ્રશ્નો આવ્યા હતા. કેટલાક સવાલો હતા, તો કેટલીક સલાહો પણ હતી.

amit shah

અમિત શાહનું સંબોધન

ટાઉન હોલ ખાતે ગુજરાતના યુવાનોને સંબોધિત કરતાં અમિત શાહે કોંગ્રેસ તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અહીં કહ્યું કે, 'વર્ષ 1995 પછી ગુજરાતમાં ભાજપ ક્યારેય પરાજિત નથી થયું, એની પાછળ અનેક કારણો છે. કોંગ્રેસના શહેજાદા રાજ્યમાં આવ્યા હતા અને તેમણે રાજ્યના વિકાસનો હિસાબ માંગ્યો હતો. હું જવાબ આપવા તૈયાર છું, પરંતુ સવાલ કોણ કરે છે એ તો જુઓ. ગુજરાતના વિકાસનો હિસાબ જોઇતો હોય તો વડીલોને પૂછો. ભાજપના વિકાસને જનતાએ સ્વીકાર્યો છે. હું રાજ્યના યુવાઓના 1 લાખ સવાલોના જવા આપવા તૈયાર છું. ચૂંટણીનું મધ્યબિદુ યુવાનો જ છે.'

કોંગ્રેસને કર્યો સવાલ

'ગુજરાતના વિકાસ માટે એ લોકો સવાલ કરે છે, જેમના રાજમાં ગુજરાતમાં વીજળીની પૂરતી સગવડ પણ નહોતી. 1994-95માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે રાજ્યમાં પાવર કટ એક સામાન્ય બાબત હતી. રાજ્યને 24 કલાક વીજળી પૂરી પાડવાનું કામ ભાજપે કર્યું છે. એમના રાજમાં ગુજરાતને કર્ફ્યુના બંધિયાર વાતાવરણમાં જીવવાની ફરજ પડી હતી, આજે કર્ફ્યુ શબ્દ માત્ર ચોપડીઓમાં છે. કોંગ્રેસ રાજ્યમાં વિકાસની વાતો કરે છે, પરંતુ કોનો વિકાસ? પોતાનો વિકાસ કે ગુજરાતનો વિકાસ?'

રાહુલ ગાંધીને અમિત શાહનો સવાલ

'કોંગ્રેસ અનેક સવાલો પૂછે છે, ત્યારે અમારે કોંગ્રેસને માત્ર એક જ સવાલ પૂછવો છે. એમના રાજમાં નર્મદા યોજના પૂર્ણ શા માટે ન થઇ?' રાહુલ ગાંધીને સવાલ પૂછતાં તેમણે કહ્યું કે, 'તમારા પરનાનાએ શરૂ કરેલ યોજના પૂર્ણ કેમ ન થઇ? શિક્ષણ ક્ષેત્રે તમે ગુજરાતને શું આપ્યું? કોંગ્રેસના સમયમાં રાજ્યમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીની જે સંખ્યા હતી, તે આજે ભાજપના રાજમાં ઘણી વધી છે. કોંગ્રેસી મુખ્યમંત્રીઓ 66 ટકા સાક્ષરતા દર મુકીને ગયા હતા, જે અમે 78 ટકા કર્યો છે. કોંગ્રેસે અનેક ઇશ્યુ ઊભા કર્યા, મારે માત્ર એટલું જ પૂછવું છે કે, તમારા સમયે થયેલ કોમી રમખાણો અમારા સમયમાં કેમ ન થયા? અમને શું સવાલ પૂછો છો રાહુલ બાબા, તમારી યુપીએ સરકારના રાજમાં કોંગ્રેસના ખાતામાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર જમા થયો છે. તમે આકાશ, પાતાળ, જમીન, દરિયો બધે ગોટાળા અને ભ્રષ્ટાચાર ફેલાવ્યો હતો.' અમિત શાહના આ સંબોધન બાદ યુવાઓ સાથેનો સવાલ-જવાબનો રાઉન્ડ શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પોતાના સમવાદ કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાત લેનાર છે. બંને પક્ષો તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમો શરૂ થઇ ચૂક્યાં છે.

English summary
Gujarat Assembly Election 2017: Amit Shah in Yuva Town Hall for Q&A round under Adikham Gujarat Campaign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.