ગાંધીનગર પાસેથી પકડાયેલા આતંકીઓ ઝેરી હુમલો કરવાની ફિરાકમાં હતા, તપાસમાં મોટો ખુલાસો
ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓ અંગે મોટા ખુલાસા થયા છે, જેમાં લખનઉ સ્થિત RSS કાર્યાલય અને દિલ્હીની આઝાદપુરી મંડી તેમના નિશાન પર હોવાનું સામે આવ્યું છે. ગુપ્તચર સૂત્રો અનુસાર, આ આતંકીઓએ આ બંને સ્થળોની રેકી પણ કરી હતી.
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને પોઇઝન એટેકના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ ષડયંત્ર હેઠળ ભારતમાં પ્રથમ વખત ઝેરી હુમલો કરવાની યોજના હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક MBBS ડૉક્ટર અહમદ મોહિઉદ્દીન ઝીલાની (અબુ ખદીજા) મુખ્ય સૂત્રધાર છે, જે હૈદરાબાદનો રહેવાસી છે અને તેણે ચીનમાંથી MBBSની ડિગ્રી મેળવી છે. ઝીલાની 6 નવેમ્બરે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને અડાલજ ટોલનાકા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઝીલાની રાયઝિન (Ricin) નામનું અત્યંત જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયામાં સામેલ હોવાની આશંકા છે. આ ઝેર ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારી શકે છે. સામાન્ય રીતે પાવડર સ્વરૂપે મળતું આ ઝેર પાણી, હવા કે ઇન્જેક્શન દ્વારા ફેલાવી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર અમદાવાદમાં લાલ દરવાજા ઉતરીને લકી હોટેલ સામે રોકાયો હતો.
અન્ય બે આરોપીઓ, મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખ ઉત્તર પ્રદેશના છે અને તેની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને શખ્સો ઉત્તર પ્રદેશથી 3 હથિયારો, 30 કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી લાવ્યા હતા.
આ હથિયારો કલોલ ખાતે એક અવાવરુ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા, જે બાદમાં ડોક્ટર ઝીલાનીએ મેળવ્યા હતા. ATSને શંકા છે કે આ હથિયારો રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓનો સંબંધ ISKP (Islamic State – Khorasan Province) નામના આતંકી સંગઠન સાથે હોવાનું જણાય છે. અહમદ મોહિઉદ્દીન ઝીલાનીએ છેલ્લા એક વર્ષથી દિલ્હી, મુંબઈ અને લખનઉની રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે, જ્યારે અન્ય બે શકમંદોએ પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી.
આ આતંકીઓનો ઇરાદો ભારતમાં મોટા પાયે જાનહાનિ કરવાનો અને મોટા આતંકી હુમલાઓ કરવાનો હતો. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ અને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો તેમની રેકી અને હુમલાના નિશાના પર હતા.
ઝીલાની ઘણા વિદેશી લોકોના સંપર્કમાં હતો. આરોપીઓએ હથિયારો છુપાવ્યાનું લોકેશન તેમના વિદેશી હેન્ડલરને પણ મોકલ્યું હતું. આ હેન્ડલર અબુ ખદીજા નામના શખ્સ હોવાની અને તે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનથી ઓપરેટ કરતો હોવાની શંકા છે. હાલ ગુજરાત ATS દ્વારા આ સમગ્ર આતંકી મોડ્યુલના સ્થાનિક જોડાણો અને અન્ય વિગતો જાણવા માટે સઘન તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
