Gujarat Budget 2021: આરોગ્ય વિભાગ માટે 11,323 કરોડ અને મહિલા-બાળ વિકાસ માટે ફાળવ્યા 3511 કરોડ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 9મી વાર આર્થિક બજેટ રજૂ કર્યુ. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ 2.27 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે કોરોના મહામારીના કારણે આવક ઓછી હોવા છતાં સરકારે ગુજરાતમાં વિકાસના કામોને અટકાવ્યા નથી. બજેટમાં આરોગ્ય વિભાગ માટે 11323 કરોડ રૂપિયા તેમજ મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ અંતર્ગત ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. સગર્ભા માતાઓને સહાય માટે 66 કરોડ, નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર માટે 145 કરોડ તેમજ પ્રધાનમંત્રીની જન આરોગ્ય યોજના- મા વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી 150 એમ્બ્યુલન્સ બનાવવા માટે 30 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહિલા અને બાળ વિકાસ હેઠળ 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા 220 કરોડ ફાળવવામાં આવ્યા છે. 8 લાખ વિધવા બહેનોને સહાય માટે 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓેને ફ્લેવર્ડ દૂધ પૂરુ પાડવા માટે 136 કરોડ ફાળવવામાં આવ્યા. 16 લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 6 માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવા ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયુર્વેદિક ઔષધિઓના આયોજન માટે 9 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વળી, બજેટમાં પુનર્લગ્ન કરનાર વિધવા ગૌરવ સાથે સમ્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ યોજના માટે 3 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ