• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત બજેટ 2021-22 : આ વખતનું બજેટ સત્ર કેટલું અલગ અને કેટલું ખાસ હશે?

By BBC News ગુજરાતી
|

રાજ્યમાં પ્રથમ વખત 'પેપરલૅસ' બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

બુધવારે (ત્રીજી માર્ચ)ના દિવસે રાજ્યનું બજેટ રજૂ કરશે અને માત્ર એક દિવસ માટે ઍપ્લિકેશન ઉપર વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે.

કોરોનાને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


પેપરલૅસ બજેટ

ગત સપ્તાહે 'ગુજરાત બજેટ' ઍપ્લિકેશનને લૉન્ચ કરતી વેળાએ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી તથા નાણાં મંત્રી નીતિન પટેલે કહ્યું કે બજેટ તથા સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.

તેમણે કહ્યું : "વર્ષ 1960-'61માં પ્રથમ બજેટ રજૂ થયું ત્યારે અલગ-અલગ 30 પ્રકારના બજેટસંબંધિત પ્રકાશન થતા. ત્યારબાદ સરકારના વિભાગ વધ્યા, તેથી તેમની કામગીરી સંબંધિત અહેવાલ પણ વધ્યા."

"હાલમાં અલગ-અલગ 74 પ્રકારના બજેટસંબંધિત પ્રકાશન ધારાસભ્યો, પત્રકારો તથા કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કચેરીઓને મોકલવામાં આવે છે. જેની પાછળ 55 લાખ 17 હજાર કરતાં વધુ કાગળનો ઉપયોગ થાય છે."

બજેટના દિવસની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થશે અને નાણાંમંત્રીનું ભાષણ પણ ઍપ્લિકેશન ઉપર જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભા અને લોકસભા સહિત અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

પરંતુ ગુજરાતની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ નથી થઈ શકતું અને મોબાઇલ ફોન લઈ જવા ઉપર પણ નિષેધ છે.

બજેટ સત્ર પહેલી એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતના પૂર્વ નાણા મંત્રી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા રેકર્ડ 18 વખત બજેટ રજૂ કરવાનો કીર્તિમાન ધરાવે છે.


શું છે ઍપ્લિકેશનમાં?

https://www.youtube.com/watch?v=yg_XiU-qPW8

ગુજરતા સરકારે 'ગુજરાત બજેટ'ના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જે અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.

તેના પરથી વર્તમાન ઉપરાંત ગતવર્ષનું બજેટ મળી રહેશે. આ સિવાય નાણામંત્રી નીતિન પટેલના બુધવારના બજેટભાષણનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ સિવાય બજેટની હાઇલાઇટ્સ, બજેટ વિશે જાણવા જેવું, બજેટ વિશેના સમાચાર અને રસપ્રદ વિગતો મૂકવામાં આવ્યા છે.

સોમવારે બપોરે ગૂગલ પ્લૅસ્ટોર પરથી આ ઍપ્લિકેશન એક હજાર કરતાં વધુ વખત ડાઉનલૉડ થઈ ચૂકી છે અને 30 યૂઝર્સે તેને ફાઇવ-સ્ટાર રેટિંગ આપ્યું છે. હોદ્દાની રુએ સ્પીકર વિધાનસભાના સર્વોપરી હોય છે અને સરકારનું કહેવું છે કે તેમની મંજૂરીથી આ ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે.

'એક દેશ, એક કરમાળખા'ની વિભાવનાને સાકાર કરવા માટે GST (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) લાગુ થયું છે ત્યારથી સામાન્ય રીતે રાજ્યના બજેટનું આકર્ષણ રહેતું નથી. છતાં જંત્રી, વાહનો પર ટૅક્સ, સ્ટૅમ્પડ્યૂટી વગેરે જેવી બાબતો તથા આવક-જાવકનો અંદાજ રાજ્ય સરકાર તૈયાર કરતી હોય છે.

સોમવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 88.31 અને ડીઝલનો ભાવ લિટરદીઠ 87.74 ટકા છે.

રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે પેટ્રોલિયમ પેદાશ પરનો વૅલ્યૂ ઍડેડ ટૅક્સ ઘટાડવામાં આવશે.

જોકે નીતિન પટેલ અગાઉ જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે આ દરમાં ઘટાડો કરવાની સરકારની કોઈ યોજના નથી.

એમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઈલના ભાવ વધી રહ્યા છે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે, છતાં VATનો દર નીચો હોવાને કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઓછા છે.


કોરોનાના કાળમાં વિધાનસભા

https://www.youtube.com/watch?v=23YlfNygCJ8

વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીઓ માધવસિંહ સોલંકી તથા કેશુભાઈ પટેલ સહિતના દિવંગત પૂર્વ સભ્યોને અંજલિ આપીને કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે.

વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેનાર મંત્રીઓ, ધારાસભ્યો, પત્રકારો તથા અન્ય સ્ટાફે કોરોનાનો રિપોર્ટ કરાવવાનો રહેશે અને નૅગેટિવ રિપોર્ટ આવ્યે, કામગીરીમાં સામેલ થઈ શકશે.

સામાન્ય મુલાકાતીને વિધાનસભાની કામગીરી નિહાળવાની મંજૂરી નહીં અપાય. અગાઉ ધારાસભ્યોની ભલામણથી કે સ્પીકરની કચેરીને આવેદન આપીને મુલાકાતી નિર્ધારિત દિવસે, નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને પ્રેક્ષક દીર્ઘામાંથી ગૃહની કાર્યવાહી નિહાળી શકતો.

ધારાસભ્યોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તે માટે પ્રેક્ષક દીર્ઘામાં ધારાસભ્યોની બેઠકવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે લોખંડના પ્લૅટફૉર્મ તૈયાર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના રસીકરણ અભિયાન માટે રૂ. 35 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સોમવારથી રાજ્યમાં રસીકરણના બીજા તબક્કાના અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ તથા 45 વર્ષ કરતાં વધુ ઉંમરના અન્ય કોઈ બીમારી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે.

60 લાખ કરતાં વધુ વૃદ્ધોને રાજ્યના 2200 જેટલા કેન્દ્ર ઉપર રસી અપાશે. ત્યારે રાજ્યમાં રસીકરણ તથા ટેસ્ટિંગ સંદર્ભે આર્થિક જોગવાઈ કરવાનું ભારણ નીતિન પટેલ પર હશે. રાજ્યમાં 4400 કરતાં વધુ નાગરિકોએ આ બીમારીને કારણે જીવ ગુમાવ્યા છે.

ગુજરાત સરકાર આ સત્રમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત આઠેક કરતાં વધુ રાજ્યોમાં લાગુ આંતરધર્મીય લગ્નવિરોધી કાયદાની તર્જ ઉપર 'લવજેહાદ કાયદા'નો ખરડો રજૂ કરી શકે છે. મુખ્ય મંત્રી વિજય રુપાણી સ્થાનિકસ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ સંબંધિત અણસાર આપી ચૂક્યા છે.

બજેટ પૂર્વે જાહેર થયેલ છ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ સિવાય 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત તથા 231 તાલુકા પંચાયત ઉપર રવિવારે ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ મંગળવારે રજૂ થશે.

અમદાવાદમાં બનનારું દેશનું સૌથી મોટું સ્પૉર્ટ્સ ઍન્કલેવ કેવું હશે?https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat Budget 2021-22: How different and how special will this budget session be?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X