
Gujarat Budget 2022: આ વખતનુ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી હશે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ આજે ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે બજેટ પ્રજાલક્ષી અને સર્વસમાવેશી હશે. લોકોની અપેક્ષા પૂરી કરનારુ હશે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરતા પહેલા જણાવ્યુ હતુ કે આ બજેટમાં આંતરમાળખાકીય સવલતોને વધારનારુ, રોજગારીનુ સર્જન કરતુ બજેટ હશે. ભાજપે ક્યારેય બજેટ ચૂંટણીલક્ષી આપ્યુ નથી. લોકોની સુખાકારી વધારનારુ બજેટ હશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારના વર્ષ 2022-23ના બજેટ અંગે જણાવ્યુ હતુ કે આ બજેટ પ્રજાલક્ષી હશે. ભાજપ સરકારે પ્રજા પર કોઈ નવા કર લાદીને વધારાનુ ભારણ નાખ્યુ નથી. તમને જણાવી દઈએ કે નાણા વિભાગે પહેલી વાર આ પ્રકારનો આદેશ કર્યો છે કે બજેટ પૂર્ણ થયા પહેલા જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પત્રકારોને બુકલેટ આપી દેવામાં આવી છે પરંતુ નાણામંત્રીના ભાષણથી આગળ કોઈ માહિતી આપવાની મનાઈ કરવામાં આવી છે. વળી, બજેટ સત્રના બીજા દિવસે આજે વિધાનસભા બહાર વિપક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ જેમાં તાપીપાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022-23નુ અંદાજપત્ર રજૂ કરશે. નાણામંત્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગનુ બોક્સ પ્રવચન માટે રાખવામાં આવ્યુ છે. આ બોક્સ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વરલી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ બૉર્ડર અંકિત કરવામાં આવી છે. સાથે-સાથે રાજચિહ્ન અશોક સ્તંભને પણ દર્શાવવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવસી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.