ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસના 5 ઉમેદવાર ફરીથી મેદાનમાં, આ વખતે ભાજપની ટિકિટ પર
ગાંધીનગરઃ ગુજરાતની આઠ વિધાનસભા સીટો પર ચૂંટણી કાલે યોજાવાની છે. મતદાન બાદ ચૂંટણી પરિણામ 10 નવેમ્બરે આવશે. જે સીટો પર 3 નવેમ્બરે મતદાન થવાનુ છે એ બધી એ સીટો છે જે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાથી ખાલી થઈ છે. 8માંથી 5 ઉમેદવાર ફરીથી મેદાનમાં છે પરંતુ આ વખતે ભાજપની ટિકિટ પર. ભાજપે વધુ 3 નેતાઓને પણ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે આઠે સીટો પર નવા ઉમેદવાર ઉભા કર્યા છે. આ પેટાચૂંટણી માટે ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો ત્યારબાદ આચાર સંહિતાના કારણે સમાપ્ત થઈ ગયો.

કુલ 81 ઉમેદવારો મેદાનમાં, આમાંથી 16 ભાજપ-કોંગ્રેસના
આ વખતે આઠ સીટો પર કુલ 81 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે મુખ્ય મુકાબલો સત્તારુઢ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ માનવામાં આવી રહ્યો છે. બંનેના 8-8 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવાર ગુજરાતની લીંબડી વિધાનસભા સીટ પર ઉભા છે. આ સીટ પર 14 ઉમેદવાર છે. વળી, સૌથી ઓછા ચાર ઉમેદવાર કપરાડામાં છે. કરજણ અને ડાંગમાં નવ-નવ, અબડાસામાં 10, ધારીમાં 11 તથા મોરબી અને ગઢડામાં 12-12 ઉમેદવાર છે.

આ 8 વિધાનસભા સીટો પર નાખવામાં આવશે મત
ગુજરાતમાં જે સીટો પર પેટાચૂંટણી થવાની છે તેમાં કચ્છની અબડાસા, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબીની મોરબી-માળિયા, સુરેન્દ્રનગરની લીંબડી, વડોદરાની કરજણ, ડાંગની ડાંગ વિધાનસભા અને વલસાડની કપરાડા સીટ શામેલ છે. આ એ સીટો છે જેના પર આ વર્ષે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. હવે ઘણા મહિનાઓ બાદ આ બધી સીટો પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓમાં પ્રદ્યુમનસિંહ જાડેજા(અબડાસા), બ્રિજેશ મેરજા(મોરબી), જે વી કાકડિયા(ધારી), અક્ષય પટેલ(કરજણ) અને જીતુ ચૌધરી(કપરાડા) શામેલ છે. અન્ય ત્રણ સીટો પર ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી આત્મારામ પરમાર(ગઢડા), આઠમી વાર પાર્ટી ટિકિટ પર ઉતરેલા કિરીટ રાણા(લિંબડી અને વિજય પટેલ(ડાંગ) છે.

18 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાગ લઈ રહેલ ઉમેદવારોમાંથી આ વખતે 18 ટકા ઉમેદવાર એવા છે જેમના પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ 18 ટકા ઉમેદવારોમાંથી સાત તો ગંભીર ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે. આ ખુલાસો એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ની રિપોર્ટથી થયો છે. એડીઆર અનુસાર કુલ 80 ઉમેદવારોના ચૂંટણી સોગંદનામાનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ જેમાંથી 18 ટકા ઉમેદવારોએ પોતાની સામે ગુનાહિત કેસ પેન્ડીંગ ઘોષિત કર્યા.
18.75 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે