ગુજરાતમાં માવઠાની કેટલી સંભાવના? ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત છે, ત્યારે કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો સતત ફૂંકાતા રહેવાથી શીત લહેરનો અનુભવ થતો રહેશે. આ અંગે હવામાન વિભાગે પણ ગુજરાતના વાતાવરણ અંગે માહિતી આપી છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહ્યું હતું. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી અને આગામી 10 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન સ્થિર રહેશે. વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરી નથી, જો કે પવનની દિશા બદલાઈને પૂર્વીય બની છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર ભારતમાં શીત લહેર અનુભવાશે. આ સપ્તાહે ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે.
વધુમાં અંબાલાલ પટેલના મતે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આગામી દિવસોમાં બપોર પછી વાદળો ઘેરાઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ ન હોવા છતાં 7 અને 8 ડિસેમ્બર સુધીમાં વાદળો આવવાની અને લગભગ 10 ડિસેમ્બર અથવા તે પછી કમોસમી છાંટા કે માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે.












Click it and Unblock the Notifications
