ગુજરાતઃ 6 મહાનગરપાલિકા માટે આવતીકાલે મતગણતરી, ગોઠવાયો ચુસ્ત પોલિસ બંદોબસ્ત
અમદાવાદઃ ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા માટે રવિવારે(21 ફેબ્રુઆરી) મતદાન યોજાયુ હતુ. અમદાવાદમાં 42.51%, સુરતમાં 39.93%, રાજકોટમાં 50.4%, વડોદરામાં 48.71%, જામનગરમાં 56.77% અને ભાવનગરમાં 47.49% મતદાન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ 21.32%થી વધીને એકદમ 48.15% પર પહોંચી ગઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમણે પણ રાજકોટ ખાતે મતદાન કર્યુ હતુ.
મંગળવારે(23 ફેબ્રુઆરી)એ મતગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અમદાવાદમાં એલ ડી એન્જિનિયરીંગ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી યોજાવાની છે. એલડી એન્જિનિયરીંગ કોલેજમાં પરિણામ અને અપડેટ જોવા માટે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રોમાં સુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઈવીએમ મશીનો સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે. વળી, મતગણતરી કેન્દ્ર પર પોલિસ કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકર રૂમ, હેલ્પ ડેસ્ક, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન મુજબ માસ્ક અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરામાં પોલિટેકનિક કૉલેજમાં 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. પોલિટેકનિક કૉલેજમાં ઈવીએમ મશીનો રાખ્યા હોવાથી અહીં ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અહીં ત્રણ તબક્કામાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. સમર્થકો તેમજ શહેરીજનો પરિણામ જોઈ શકે તે માટે કોલેજના ગેટ પાસે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે તેમજ પરિણામની જાહેરાત માટે લાઉડ સ્પીકરો પણ મૂકવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રઃ જાલિચા દેવ મંદિરમાં 55 લોકો કોરોના પૉઝિટીવ