
ગુજરાતની શિક્ષણ સંસ્થા CEPTમાં કિન્નરોને પણ પ્રવેશ આપશે
અમદાવાદ, 2 જુલાઇ : સામાજિક રીતે તરછોડાયેલી ત્રીજી જાતિને શૈક્ષણિક સ્તરે આગળ લાવવા માટે પ્રોત્સાહન પુરું પાડનારું અને ઉદાહરણીય કાર્ય ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા CEPT (સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી - સેપ્ટ) દ્વારા નવા શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે. સેપ્ટમાં હવે પુરુષ અને સ્ત્રી સિવાયની ત્રીજી જાતિમાં આવતી વ્યક્તિ એટલે કે કિન્નરોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે સેપ્ટમાં પ્રવેશ પ્રક્રિયા ઘણા સમય પહેલા શરૂ થઇ ચૂકી છે. જો કે ખરેખર ત્રીજી જાતિની વ્યક્તિઓ પ્રવેશ મેળવવા માટે આવશે કે નહીં એ અંગે સંસ્થાનું માનવું છે કે અમે મૌખિક પ્રચાર અને જાગૃતિ લાવીને તેમના સમાજના પ્રવાહમાં સાથે જોડવાનો પ્રયાસ કરીશું.
સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરવા માટે સેપ્ટ યુનિવર્સિટીએ તેની એડમિશન કમિટીના સભ્યો સાથે ચર્ચા કરીને ત્રીજી જાતિના લોકોને પ્રવેશ આપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સેપ્ટની પ્રવેશ સમિતિના અધ્યક્ષ શુભ્રાંશુ ગોસ્વામીએ જણાવ્યું કે 'સુપ્રીમ કોર્ટે નિર્દેશ જાહેર કર્યા બાદ અમારી કમિટીએ જ્યારે પ્રવેશ માટે ત્રીજી જાતિને માન્ય રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેને આવકારવામાં આવ્યો. સંસ્થાના મેનેજમેન્ટને પણ તે સ્વીકાર્ય છે. આ કારણે અમે આ વર્ષે શરૂ થનારા શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.'
સામાન્ય રીતે સેપ્ટ દ્વારા ત્રીજી જાતિની વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અરજી સાથે માન્ય ડોક્ટર દ્વારા તેનું વેરિફિકેશન સર્ટિ જોડવાનું કહેતા હોય છે. જો કે હવે યુનિવર્સિટીમાં જ ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વેરિફિકેશનમાં કોઇ અડચણ ઉભી ના થાય.
જો કે આ વ્યવસ્થા જરૂર પડે ફોન કરીને બોલાવવા પુરતી મર્યાદિત છે. આ ઉપરાંત સેપ્ટ યુનિવર્સિટી ત્રીજી જાતિના વિદ્યાર્થીની ઓળખ છુપી રાખે છે, સિવાય કે વિદ્યાર્થી જાતે પોતાની ઓળખ જાહેર કરે.