BJPને હરાવવા છોટુ વસાવા સાથે ગઠબંધન: ભરતસિંહ સોલંકી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી મંગળવારે હાઇ કમાન્ડ સાથે બેઠક કરવા માટે ફરી એકવાર દિલ્હી રવાના થયા હતા. કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઇ ચૂકી છે, જે પછી તેમણે અનેક વિરોધો અને વિવાદનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે. ત્યાર બાદ હવે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દિલ્હી ગયા છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિટિ સાથે બેઠક યોજી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. દિલ્હી રવાના થતાં પહેલાં ભરતસિંહ સોલંકીએ જેડીયુના છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું છે, જે ભાજપને હરાવવામાં મદદરૂપ થશે. કેટલી બેઠકો માટે ગઠબંધન, એ અંગે નિર્ણય હવે લેવાશે. રાજકારણીય સ્થિતિને ધ્યાનમાં રાખતા આ બધા પરિવર્તનો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત એનસીપી સાથે પણ કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે, એમાં પણ કેટલોક વિરોધ ઊભો થયો છે. એ અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. એનસીપી સાથેના ગઠબંધનથી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચે એવી પણ શક્યતા છે. વળી પાસ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદે પણ મોટું રૂપ ધારણ કર્યું છે. ભરતસિંહ સોલંકીની તાબડતોડની દિલ્હી મુલાકાત પાછળનું એક કારણ પાસનું વધતું દબાણ પણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24 થી 26 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસ પહેલા ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધી અને અશોક ગેહલોતની પણ મુલાકાત લેશે. જો કે, ઉમેદવારોના નામની જાહેરાત રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કરવામાં આવશે એમ કહેવાઇ રહ્યું છે.