“ગુજરાતમાં કોંગ્રેસ 120 કરતા વધુ બેઠકો સાથે સરકાર બનાવશે”
ગુરૂવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થય બાદ વિવિધ એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા, જેમાં મોચાભાગે ભાજપ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ પછી શુક્રવારે ગુજરાત કોંગ્રેસની બેઠક મળી હતી. જે પછી એવું તારણ નીકળ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. ગુજરાત કોંગ્રેસની બેઠક બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રથમ તબક્કામાં જે 89 બેઠકો પર મતદાન થયું, એમાંથી 61 બેઠકો કોંગ્રેસ જીતશે અને બીજા તબક્કાની 93માંથી 63 બેઠકો કોંગ્રેસના ફાળે આવશે. આ બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ભાજપ પાસે મુદ્દાઓ નથી. વારેવારે કોંગ્રેસ પર તૂટી પડે છે. વચ્ચે-વચ્ચે કાશ્મીર,પાકિસ્તાન, અફઘાનિસ્તાનના મુદ્દાઓ લઇ જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે.
બેઠક અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની બેઠક અને અન્ય અધિકારીઓની બેઠક મળી હતી. ચૂંટણી સમયે ઓવરઓલ વાતાવરણ કેવું રહ્યું, મતદાન કેવું રહ્યું વગેરે અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. આ બેઠક બાદ સ્પષ્ટ તારણ નીકળ્યું છે કે, કોંગ્રેસ 120 કરતા વધુ બેઠકો સાથેજીતશે. વીવીપેટ અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, અમે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. ચૂંટણી પંચ પર પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ ચકાસણી કરાવવા માંગીએ છીએ. જો કોઇ વિસંગતતા હોય બેલેટ પેપર અને વીવીપેટના મતદાનમાં તો એને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અમે અરજી કરી હતી.