મતગણતરીના દિવસે ગુજરાતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ? જાણો સત્ય!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 48 કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે, રવિવારે 6 મતદાન બેઠકો પર પુનઃમતદાન થનાર છે. ચૂંટણી પંચ મત ગણતરી માટે સજ્જ છે, ત્યારે બીજી બાજુ સોશ્યલ મીડિયા પર ફેક ન્યૂઝ પણ ફરતી થઇ છે. હાલમાં જ સોશ્યલ મીડિયા અને વોટ્સએપ પર મામલતદારની સહીવાળો એક પત્ર ફરતો થયો છે, આ પત્રમા મત ગણતરીના દિવસે એટલે કે 18 ડિસેમ્બરના રોજ મોબાઇલ પર ઇન્ટરનેટ સેવાઓ બંધ હોવાની વાત કહેવામાં આવી છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ થવાનું કારણ જણાવતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઇવીએમ મશીનો મોબાઇલના બ્લૂ ટૂથ સાથે કનેક્ટ થવાનો સંભાવના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, ગુજરાત ચૂંટણી કમિશ્નરે આ ન્યૂઝ ખોટા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવા કોઇ આદેશ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમ મશીન અંગેની અનેક શંકાઓએ જોર પકડ્યું છે. ગુજરાત કોંગ્રેસ તરફથી ઇવીએમ અને વીવીપેટના મત ક્રોસ વેરિફાય કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતો, તો સામે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ ઇવીએમ અંગે અનેક પ્રશ્નો કરી રહ્યાં છે. તેમણે ભાજપ પર આરોપ મુકતાં ટ્વીટ પણ કર્યું હતું કે, ભાજપ શનિવારે-રવિવારે રાત્રે ઇવીએમ સાથે છેડછાડ કરશે.