
Gujarat Election: ગુજરાત ચૂંટણીમાં ગુનાહિત છાપ ધરાવતા ઉમેદવારો 21%, સૌથી વધુ આમ આદમી પાર્ટીના
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. દરેક પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુરુવારે એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટ મુજબ 1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. જેમાંથી 100 હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે.
એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના રિપોર્ટ મુજબ ચૂંટણીમાં આ શ્રેણીમાં કુલ આઠ ટકા ઉમેદવારો ગંભીર અપરાધની શ્રેણીવાળા હતા. જેમના ઉપર પાંચ વર્ષથી વધારે સજા, બિનજામીનપાત્ર ગુના, હત્યાનો પ્રયાસ, ચૂંટણી સંબંધી ગુનાઓ, સરકારી ખજાનાને નુકશાન પહોંચાડવા સહિત અન્ય ગુના અંતર્ગત કેસ નોંધાયેલા છે.
પક્ષ મુજબ વાત કરીએ તો આમ આદમી પાર્ટી(આપ) 1 ડિસેમ્બરે કુલ 89માંથી 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, મુખ્ય રાજકીય પક્ષોમાં આ યાદીમાં તે સૌથી ઉપર છે. અહેવાલ મુજબ તેના 30 ટકા ઉમેદવારો પર હત્યા, બળાત્કાર, હુમલા, અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાહિત કેસો થયેલા છે. કોંગ્રેસ પ્રથમ તબક્કામાં તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના લગભગ 20% ઉમેદવારો પર ગંભીર કેસોનો સામનો કરી રહ્યા છે. વળી, સત્તાધારી ભાજપ પણ ચૂંટણીના પ્રથમ તબક્કામાં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના 12% ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત આરોપો સાથેના કેસ નોંધાયેલા છે.
આમ, આમ આદમી પાર્ટીના 88માંથી 32 ઉમેદવાર, કોંગ્રેસના 89માંથી 31 ઉમેદવારો અને ભાજપના 89માંથી 14 ઉમેદવારો તેમજ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 14માંથી ચાર ઉમેદવારો ગુનાહિત છાપ ધરાવે છે. જેમાંથી આમ આદમી પાર્ટીના ગંભીર ગુનાઓના 26, કોંગ્રેસમાં 18 અને ભાજપના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગઈ વિધાનસભા ચૂંટણી સાથે સરખામણી કરીએ તો ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 15% ઉમેદવારો સામે ફોજદારી કેસો હતા અને 8% પર ગંભીર ગુનાહિત કેસ હતા. આ વર્ષે પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 21% ઉમેદવારો પર ફોજદારી કેસ છે અને 13% પર ગંભીર આરોપો છે.