ગુજરાત ચૂંટણી : ...તો પછી રાહુલ ગાંધીનો વિશ્વાસ કરી શકાય?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રચાર સભામાં તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા, ગાંધીજીને રાજકારણના ગુરુ તરીકે યાદ કર્યા પણ ગુજરાતના પાયાના મુદ્દાઓ, ગુજરાતના રાજકીય આગેવાન સરદાર પટેલ અને પોતે રાજકારણમાં શું કર્યું છે તે યાદ કરવાનું ભૂલી ગયા હતા. તેમણે જામનગરમાં આપેલા ભાષણમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યા હતા.
ટેલિકોમ ક્રાંતિની વાત
રાહુલ ગાંધીએ જામનગરમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે અમે કૃષિમાં ક્રાન્તિ લાવ્યા અને દેશના ખેડુતોને આગળ લાવ્યા. આજે બધાની પાસે હાથમાં મોબાઇલ છે, એવો એકપણ વ્યક્તિ નથી કે જેની પાસે મોબાઇલ ના હોય, આ ટેલિકોમ ક્રાન્તિ રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ કરી. સામ પિત્રોડા ક્યાંના છે ગુજરાતના. માટે આ કામ પણ ગુજરાતે કર્યું છે.
મહત્વની બાબત એ છે કે સામ પિત્રોડાવાળી વાત તેમણે યુપીના લોકોને પણ કહી છે. એટલે કે રાહુલ ગાંધી ગુજરાતીઓને મુર્ખ બનાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ લગભગ એક વર્ષ પહેલા એટલે કે 18 ડિસેમ્બર, 2011ના રોજ ઉત્તર પ્રદેશના રામાબાઇનગરમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે આપેલા ભાષણમાં પણ સામ પિત્રોડાનો ઉપયોગ કર્યો હતો. મોસ્ટ બેકવર્ડ કાસ્ટ્સ (એમબીસી)ની એક રેલીમાં તેમણે સામ પિત્રોડા એટલે કે સત્યનારાયણ ગંગારામ પિત્રોડાને વિશ્વકર્મા જાતિના પુત્ર દર્શાવીને દલિતોના વોટ મેળવવાનું ત્રાગું રચ્યું હતું.
ગાંધીજી મારા રાજકારણના ગુરૂ
રાહુલ ગાંધીએ પોતાના ભાષણાં ગાંધીજીને પોતાના રાજકીય ગુરૂ ગણાવીને કહ્યું હતું કે ગાંધીજીનો નિયમ હતો કે સહેલો કાયદો, તેમનો એ કાયદો હતો કે ભારતના દરેક વ્યક્તિનો અવાજ સાંભળવો જોઇએ, પછી તે ગરીબ હોય કે અમીર. ગાંધીજીની એ વિચારધારા હતી. જે ગુજરાતની વિચારધારા છે. ગાંધીજીના એ નિયમોના કારણે આજે આ બેઠકો થઇ રહી છે. જો તેમણે એ નિયમો ના આપ્યા હોત તો આ બેઠકો નહીં થાત, આ નિયમો ગુજરાતે આપ્યા છે.
રાહુલ ગાંધીએ ગાંધીજી અને તેમની વિચારધારાને તો યાદ કરી પણ એ ભૂલી ગયા છે કે મહાત્મા ગાંધીજીએ 1947માં કહ્યું હતું કે સ્વરાજ મળી ગયું છે. જે હેતુ પાર પાડવા માટે કોંગ્રેસની સ્થાપના થઇ હતી તે સિધ્ધ થતા હવે કોંગ્રેસને વિખેરી દેવી જોઇએ. જો એમ શક્ય ના હોય તો ગુજરાતના લોકોએ તો એમ કરવું જ જોઇએ. પ્રશ્ન એ છે કે તેઓ ગાંધીજીની આ વાતને કેમ અનુસરતા નથી?
ગુજરાતની ચૂંટણીમાં મોતીલાલ નહેરૂને યાદ કરવાની જરૂર ખરી?
ગુજરાતમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત સંબંધિત વિકાસના મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાને બદલે અવારનવાર મુદ્દો બદલ્યો છે. વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના ભાષણમાં તેમની સરકાર અંગે વાત કરી હતી. સોનિયા ગાંધી વાતને જવાહરલાલ નહેરૂ સુધી લઇ ગયા હતા. પણ રાહુલ ગાંધીએ તો આ વાતને છેલ મોતીલાલ નહેરૂ સુધી એટલે કે 1920ના દાયકામાં લઇ ગયા, જ્યારે ગુજરાતની સ્થાપના સુધ્ધાં થઇ ન હતી.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણાં ગાંધીજી અને મોતીલાલ નહેરૂ સુધીની નેતાઓની વાત કરી પણ ગુજરાતના જ પુત્ર અને દેશને એક કરવામાં અમૂલ્ય યોગદાન આપનારા સરદાર વલ્લભભાઇના નામનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા હતા. આમ કરવાથી રાહુલમાં રાજકીય સુઝબૂઝનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે.
રાહુલ ગાંધી પોતાના કર્તવ્યો પ્રત્યે સભાન નથી
આ તો અન્યની વાત કરીએ. પણ સ્વયં રાહુલ ગાંધી રાજકારણમાં પોતાના યોગદાનને ભૂલી ગયા છે. ડાહી સાસરે જાય નહીંને ગાંડીને શીખમણ આપે એવી સ્થિતિમાં રાહુલ ગાંધી પોતાના રાજકીય કર્તવ્યો પૂરાં નથી કરતા અને અન્યને રાજકીય કર્તવ્યોનું પાલન કરવાનું કહે છે.
રાહુલ ગાંધીનું નામ 15મી લોકસભામાં ઓછી હાજરી આપનારા નેતાઓમાં આવે છે. મે 2011થી મે 2012 દરમિયાન લોકસભાની 85 બેઠકોમાંથી રાહુલ ગાંધી માત્ર 24 બેઠકોમાં હાજર રહ્યા હતા. જ્યારે વર્ષ 2010-11ના 72 લોકસભા સેશનની વાત કરીએ તો રાહુલ ગાંધી માત્ર 19 જ દિવસ હાજર રહ્યા હતા. જો લોક પ્રતિનિધિ પોતે જ પોતાની જવાબદારી ના સમજી શકે તો પ્રજાની જવાબદારી કેવી રીતે નિભાવી શકે!