ગુજરાતના વડોદરામાં પૂર, તંત્રએ લશ્કરની સહાય માંગી
વડોદરા, 10 સપ્ટેમ્બર : ગુજરાતના વડોદરા શહેરમાં થઇને વહેતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂરની ગંભીર સ્થિતિ જોતા સ્થાનિક વહીવટીતંત્રે પૂરનાં પાણી ભરાયેલા રહેણાક વિસ્તારોમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે લશ્કરની મદદ માગી છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મનિષ ભારદ્વાજે કહ્યું છે કે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યાં ફસાયેલા તમામ લોકોને રાહત પૂરવઠો સપ્લાય કરવાનું મુશ્કેલ છે તેથી ત્યાં હેલિકોપ્ટરો દ્વારા પીવાના પાણીની બોટલ તથા ફૂડ પેકેટ્સ ડ્રોપ કરવામાં અમે લશ્કરની મદદ માગી છે.
વિશ્વામિત્રી નદી પરના તમામ પૂલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શાળા-કોલેજો પણ બંધ છે. પૂરને કારણે સૌથી ખરાબ અસર કારેલીબાદગ, માંડવી, સયાજીગંજ, પાણીગેટ, મુંજમહુડા વિસ્તારોમાં થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની 100 જેટલી સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. શાળા કોલેજો આજે પણ બંધ રહી હતી. જિલ્લામાં લગભગ દોઢ લાખ લોકો પ્રભાવિત થયા છે.
નદીની નજીકમાં જ આવેલી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં પણ પૂરનાં પાણી ઘૂસી ગયા છે. શહેરના પ્રસિદ્ધ પ્રાણીબાગમાં પણ પાણી પ્રવેશી જતા કેટલાક પ્રાણીઓને ત્યાંથી ખસેડી લેવાની સત્તાવાળાઓને ફરજ પડી છે.
વિશ્વામીત્રી નદીના અવરજવર માટેના સૌથી મુખ્ય બ્રીજ કાલાઘોડા બ્રીજ પર પાણી ફરી વળ્યા છે. અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાતા અવરજવર બંધ છે. એમ.એસ યુનિવર્સિટીમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી, આર્ટસ ફેકલ્ટીના હીસ્ટ્રી વિભાગ, હોસ્ટેલ કેમ્પસ, પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા સ્ટાફ ક્વાર્ટસમાં પાણી ભરાતા અધ્યાપકો તેમજ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.