• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત વન વિભાગે CCTV કેમેરાની નજર હેઠળ ભરતી પ્રક્રિયા આરંભી

|
Google Oneindia Gujarati News
વડોદરા, 10 એપ્રિલ : "સાવધાન! આ ભરતી પ્રક્રિયા સીસી ટીવી કેમેરાની બાજ નજર હેઠળ ચાલી રહી છે આપની પ્રત્યેક વર્તણૂંક નિરીક્ષણ હેઠળ છે.'' વડોદરાની પોલીસ તાલીમ શાળાના પરેડ મેદાનના પ્રવેશ દ્વારે ઉપરોકત લખાણ ધરાવતું બોર્ડ આ વખતે જોવા મળી રહ્યું છે. મેદાન પર પણ ઠેર ઠેર આવા બોર્ડસ લગાવાયા છે. જો કે આ કાયમી પાટીયા નથી. પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા વડોદરા અને ખેડા જિલ્લા માટે વનપાલ સહાયક અને વનરક્ષક સહાયકની ભરતીની પ્રક્રિયામાં પારદર્શકતા અને તટસ્થતાની ખાતરી કરાવવાની એક પહેલના રૂપમાં આ બોર્ડસ લગાવવામાં આવ્યા છે.

વલસાડના મુખ્ય વન સંરક્ષક એસ.કે.ચર્તુવેદીની અધ્યક્ષતા હેઠળ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરતીની પ્રક્રિયા જેટલી પારદર્શક હોય તેટલું સક્ષમ અને લાયક ઉમેદવારોનું મનોબળ વધે છે. આ અંગે પોતાની વાત રજૂ કરતા ચતુર્વેદી જણાવે છે કે "વનપાલ સહાયક અને વનરક્ષક સહાયકની શારીરિક ક્ષમતા કસોટીના મેદાન પર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય તેવી વનવિભાગની કદાચીત આ પ્રથમ ભરતી છે."

આ ભરતીમાં ઉમેદવારોની ફીઝીકલ ફિટનેસ ચકાસવામાં આવે છે. જેમાં દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, પુલઅપ્સ અને રસ્સા ચઢાવની કસોટીઓ મુખ્ય અને વ્યૂહાત્મક ગણાય છે. આ કસોટીઓના સ્થળે સીસીટીવી કેમેરા સર્વેલન્સ માટે ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર મેદાન પર તમામ ભરતી પ્રવૃત્તિઓની સધન વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. જેનો આશય ગેરરીતિ માટે કોઇ અવકાશ ન રહે તેની ખાતરી મેળવવાનો છે.

ઉલ્લેખનીય છે કે ભરતીના આ તબક્કા માટે ચતુર્વેદીની અધ્યક્ષતા હેઠળ સમિતિ બનાવવામાં આવી છે તેમાં અરુણકુમાર ચૌધરી (ડીસીએફ, હિંમતનગર) સદસ્ય સચિવ ઉપરાંત નિવાસી અધિક કલેકટર અશોક મહેતા અને નાયબ પોલીસ અધિક્ષક ઉષા રાડાનો સમાવેશ થાય છે. જયારે સામાજિક વનીકરણ વિભાગના કાર્યકારી નાયબ વન સંરક્ષક જી.એ.બ્રહ્મભટૃ સંકલન અધિકારી તરીકે સેવા આપી રહયા છે.

મેદાન પર ડૉકટર સાથે પાંચ સદસ્યોની મેડિકલ ટીમ ઉપરાંત પોલીસ હોમગાર્ડસ, ફોરેસ્ટ તેમજ અન્ય વિભાગોના કુલ 311 કર્મચારીઓની મદદ ભરતી પ્રક્રિયા આટોપવા માટે લેવામાં આવી રહી છે. આઠથી બારમી તારીખ દરમિયાન દરરોજ દોઢથી બે હજાર ઉમેદવારો તેમાં ભાગ લઇ રહ્યા છે.
વનપાલ સહાયક અને વનરક્ષક સહાયકની જગ્યાઓ આમ તો જંગલ વિસ્તારમાં ક્ષેત્રીય ફરજો (ફીલ્ડ ડયુટીઝ) માટેની છે. તેમાં વન વિસ્તારના રક્ષણ માટે જંગલમાં ફરવા જેવા કામોનો સમાવેશ થાય છે.

અગાઉ માત્ર પુરુષોનો ઈજારો ગણાતી તેવી આ જગ્યાઓ હવે મહિલા ઉમેદવારો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી છે. ને સારી એવી સંખ્યામાં કિશોરીઓ અને યુવતીઓ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ રહી છે. શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપરોકત જગ્યાઓ ભરવા માટેનો પ્રથમ અને પ્રાથમિક તબક્કો છે.

જી.એ.બ્રહ્મભટૃ જણાવે છે કે આ કસોટીમંથી પર ઉતરનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ જેવા તબક્કાઓ પસાર કરવા પડે તે પણ શકય છે. જો કે છાતી, ઊંચાઇ, વજન જેવા પાયાના માપદંડો અને દોડ સહિતની કસોટીઓ ઉમેદવાર સક્ષમ હોવાની પ્રથમ તબકકમાં જ ખાતરી કરાવે છે. પારદર્શક અને પ્રમાણિક ભરતી માટેની વડોદરા વન વિભાગની આ પહેલ ડીસીપ્લીન્ડ ફોર્સમાં ભરતી માટે અનિવાર્ય માપદંડ બની જાય તે શકય છે.

English summary
Gujarat forest department start recruitment under CCTV vigilance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X