ફેસબુક બન્યું ફોઇબા : ગીરના સિંહબાળના નામકરણ માટે FB પર સર્ચ
ગીર, 4 ઓક્ટોબર : ગીરના પ્રખ્યાત સિંહોની વસતીમાં વધારો થયો છે. અહીં લક્ષ્મી નામની સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો છે. મજાની વાત એ છે કે આ સિંહબાળના નામકરણ 6 ઓક્ટોબરે થવાના છે. આ માટે તેમના શું નામ રાખવા તે માટે ફેસબુકનો સહારો લીધો છે. આ સિંહબાળોમાં 3 નર છે અને 2 માદા સિંહબાળ છે.
ગુજરાતના વન વિભાગ દ્વારા ફેસબુકનો સહારો લેવામાં આવ્યો છે. તાજેતરમાં સિંહણે જન્મ આપેલા પાંચ બચ્ચાના નામાંકરણ માટે ફેસબુક-સોશિયલ મીડિયાનો નવતર માર્ગ અપનાવ્યો છે. લગભગ ચારેક માસ પૂર્વે ગીરના દેવળીયા પાર્કમાં એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. એક સાથે પાંચ બચ્ચા જન્મવાની જવલ્લેજ બનતી ઘટનાથી વન વિભાગનો સ્ટાફ અને પ્રાણીપ્રેમીઓ આનંદિત થઇ ઉઠ્યા હતા.
માતા અને બચ્ચાને થોડા સપ્તાહ સુધી અતિ સુરક્ષિત વાતાવરણમાં રખાયા બાદ તેમને ખુલ્લા મુકવામાં આવ્યાં હતાં. આ દરમિયાન વન્ય પ્રાણી વિભાગ સાસણ દ્વારા 59મું વન્યપ્રાણી સપ્તાહ શરૂ કરાયું હતું. જેમાં પાંચ બાળકોની નામકરણ વિધિમાં અપનાવાયેલી નવી પદ્ધતિની જાણકારી આપવામાં આવી હતી.
વન વિભાગના મુખ્ય અધિકારી ડૉ. સંદીપકુમારના જણાવ્યા મુજબ 'લક્ષ્મી' સિંહણની કૂખે અવતરેલા પાંચ અલમસ્ત બચ્ચાના નામાભિધાન માટે ડ્રો પદ્ધતિથી 25 નામ નક્કી કરાયાં હતાં. જેમાં 10 માદા માટેના અને 15 નર માટેની યાદી વોટિંગ માટે ફેસબુક પર મૂકવામાં આવી હતી. ફેસબુકના વોટિંગના આધારે જ પાંચ સૌથી વધુ પસંદ નામ નક્કી કરવામાં આવનાર છે. આ સિંહબાળોનું નામકરણ 6 ઓક્ટોબરે કરવામાં આવશે.
માદા સિંહબાળ માટે મૂકવામાં આવેલા નામ
વનપરી, આનંદી, મીરા, ગંગા, ધારા, જુગ્ની, કપિલા, મલ્લિકા, હીર, અવની
નર સિંહબાળ માટે મૂકવામાં આવેલા નામ
યુવરાજ, સુલ્તાન, ભરત, ઋુતુરાજ, ગિરીરાજ, શિવા, આર્યન, શિમ્બા, મલ્હાર, કર્ણ, શાર્દુલ, માનવ. સાંદીપન, અગસ્ત્ય, વનરાજ