Gujarat Foundation Day 2022 : આ જિલ્લામાં ઉજવાશે ગુજરાત સ્થાપના દિવસ, જાણો કેવી ચાલી રહી છે તૈયારીઓ?
Gujarat Foundation Day 2022 : ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવશે, જેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતની પ્રાચીન રાજધાની અને જિલ્લા મથક પાટણમાં આ વખતે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવશે.
ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાએ ભવ્ય ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
પાટણ યુનિવર્સિટી ખાતે યોજાનારા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પાટણ કોલેજ કેમ્પસના પ્રાંગણમાં પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની હાજરીમાં સ્થાપના દિવસનું સમારોહ યોજાવા જઇ રહ્યો છે. આ સમારોહમાં ગાર્ડ ઓફ ઓનર સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સલામીનો કાર્યક્રમ યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજના મેદાનમાં પોલીસ પરેડ તેમજ ડોગ અને હોર્સ શો સહિતના અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે.