2 વર્ષમાં 207 વાર તૂટી નર્મદા પ્રોજેક્ટની નહેરો, સરકારે કહ્યું, ઉંદરો છે કારણ...
ગુજરાતને 75 ટકા પાણી નર્મદા યોજનાની નહેરોથી મળે છે. પરંતુ આ નહેરો છેલ્લા 2 વર્ષમાં 200થી વધુ વખત તૂટી છે. નહેરો તૂટવાથી અથવા તેમાં ગાબડા પડવાને કારણે લાખે લિટર પામી વહી ગયું. આ પાણીનો ન તો સિંચાઈમાં ઉપયોગ થયો ન તો ગામો સુધી પહોંચાડી શકાયું. હવે વિધાનસભા સત્ર દરમિયાન સરકારે નર્મદાની નહેરો તૂટવા પર સ્પષ્ટતા કરી છે. નહેરો તૂટવા પાછળ સરકારે ઉંદરોને જવાબદાર ઠેરવ્યા છે ! જી હાં, સરકારની વાત માનીએ તો ઉંદરોને કારણે નહેરો તૂટી રહી છે. નહેરો પાસે મોટી સંખ્યામાં ઉંદરો હોવાને કારણે તેમના દર હોવાને કારણે નહેરના કિનારા પોલા થઈ જાય છે.
આ પણ વાંચો: નર્મદા યોજના પર 70 હજાર કરોડ ખર્ચાયા, છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી

2 વર્ષમાં 200થી વધુ વખત તૂટી નહેરો
નર્મદા પ્રોજેક્ટ પર માહિતી આપતા મંત્રીએ કહ્યં કે 2017માં નહેરો તૂટવાની 124 ઘટના થઈ હતી. જ્યારે 2018માં 83 વખત નહેર તૂટી ગઈ. હજારો લિટર પાણી નહેર તૂટવાને કારણે વહી ગયું. ખેતી પણ પાણી વગર બરબાદ થઈ ગઈ, તો કેટલાક ગામો પાણી વિહોણાં રહી ગયા. ઉપરથી નહેરોના સમારકામ માટે સરકારે 2 વર્ષમાં 77.86 લાખનો ખર્ચ કર્યો.

ક્યાંક પાણી વેડફાયું તો ક્યાંક પાણી વગર ટળવળ્યા લોકો
જો આંકડા જોઈએ તો એક વાત સામે આવે છે કે ગુજરાતમાં એક તરફ ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળી રહ્યું, તો કેટલીક જગ્યાએ નહેર તૂટવાથી પાણી વ્યર્થ જાય છે. કેટલીકવાર વરસાદનું વધુ પાણી આવવાથી નહેરો તૂટી જાય છે. જો કે સરકારે નહેરો તૂટવાનું જે કારણ ગણાવ્યું છે, તેમાં ઉંદરોને મહત્વના ગણાવ્યા છે.

શું કહે છે નર્મદા વિભાગ?
નર્મદા વિભાગના કહેવા પ્રમામે પાણી લેવા માટે કેટલાક ખેડૂતો નહેરો સાથે છેડછાડ કરે છે. તેઓ પાણીની પાઈપ લગાવવા માટે નહેરો ખોદી નાખે છે. નર્મદાની નહેરોમાં RCCનું બાંધકામ છે, પરંતુ પાછળ તો માટી જ છે. એટલે જો પહેલું લેયર નબળું પડે તો નહેરને નુક્સાન થાય છે. તો ઉંદરોને પણ જવાબદાર ઠેરવતા નર્મદા વિભાગનું કહેવું છે કે ઉંદરો અંદરની જમીન ખોદી નાખે છે, જેને કારણે જમીન પોલી પડે છે અને RCC વર્ક નબળું પડે છે. પછી પાણી વહેવાનું શરૂ થાય છે અને નહેરો તૂટી જાય છે. પાણી ખેતરોમાં ફેલાય છે.

ગુજરાતમાં 10,796 કિલોમીટરની નાની નહેરોનું કામ બાકી
વિધાનસભામાં જ રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં કહ્યું કહે હજી પણ રાજ્યમાં 10,796 કિલોમીટરની નાની અને જુદી જુદી નહેરોનું કામ બાકી છે. નર્મદાની નહેરોમાં 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવના ટાર્ગેટમાં સરકાર 16.51 લાખ હેક્ટરમાં જ સિંચાઈ આપી શકી છે. તમને જણાવી દઈએ કે દેવરના ધારાસભ્ય શિવભાઈ ભૂરિયાએ નહેરોને લઈ સવાલ પૂછ્યો હતો. ત્યારે સરકારે નર્મદા નહેરના નેટવર્ક પર ચર્ચા દરમિયાન માન્યું કે નાની અને ઉપનહેરનું મોટા ભાગનું કામ હજી બાકી છે.