
દહેજમાં ઉદ્યોગો માટે સ્થપાયો ડીસેલીનેશન પ્લાન્ટ, હવે દરિયાના પાણીને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાશે
દહેજઃ દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)એ દહેજ ખાતે ડીસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો. જે ઉદ્યોગોને પાણી પુરૂ પાડશે. 17 જૂને પ્લાન્ટનુ સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ પરંતુ સરકારે એક અઠવાડિયાના સમય માટે પ્લાન્ટને ટ્રાયલ સ્ટેજ હેઠળ મૂક્યો હતો. દેશમાં કોઈપણ સરકાર દ્વારા 100 MLDનો આ પહેલો ડીસેલીનેશન પ્લાન્ટ છે.
મુખ્ય ઉદ્યોગોનું હબ- દહેજ, નવા ઔદ્યોગિક એકમો સાથે ઝડપથી વિસ્તરી રહ્યું છે. હાલમાં દહેજમાં ઉદ્યોગો માટે પાણીની દૈનિક જરૂરિયાત આશરે 200 MLD છે. જે હાલમાં નર્મદા નદીમાંથી મેળવવામાં આવે છે. ઉદ્યોગોને હવે તેમના ઉપયોગ માટે શુધ્ધ સમુદ્રનું પાણી મળશે. "આ પ્લાન્ટમાંથી વિસ્તારના ઉદ્યોગોને દરરોજ 100 MLD પાણી પહોંચાડવામાં આવશે. 1,000 લિટર ટ્રીટેડ વોટરની કિંમત ₹26 હશે." GIDCના MD એમ. તેનરાસને જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યુ હતું કે કોર્પોરેશને પ્લાન્ટ અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે ₹881 કરોડનું રોકાણ કર્યુ છે.
ટીપીકલ ડિસેલિનેશન પ્લાન્ટ માત્ર ખારાશને સંભાળે છે (TDS-કુલ ઓગળેલ ક્ષાર) કારણ કે તેઓ ખુલ્લા સમુદ્રમાંથી પાણી ખેંચે છે. આ પ્લાન્ટ નદી-સમુદ્રના પાણીનું મિશ્રણ ખેંચે છે અને તેને વિવિધ ભરતીના સ્તરને સંભાળવું પડે છે. આ પ્લાન્ટ દહેજના રહિયાદ ગામમાં નર્મદા નદીના સંગમ પર સ્થિત છે. ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના પહેલાં GIDC નર્મદા કેનાલ દ્વારા ઉદ્યોગોને પાણી પૂરું પાડતી હતી જેની કિંમત આશરે ₹48.50/KL હતી પરંતુ ડીસેલીનેશન પ્લાન્ટમાંથી ટ્રીટેડ પાણી હવે ₹26/KLના ભાવે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 22 જેટલા ઔદ્યોગિક એકમોએ 67 એમએલડી ક્ષમતા બુક કરી છે જ્યારે 10 એમએલડી જીઆઈડીસી માટે જ આરક્ષિત છે.
દહેજમાં ભારતનું એકમાત્ર કાર્યકારી પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન (PCPIR) 453 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને નવા ઔદ્યોગિક એકમોની સ્થાપના સાથે આ પ્રદેશ ઝડપથી વધી રહ્યો છે. સામાન્ય રીતે, જાન્યુઆરીથી જૂન સુધી પાણી અને ખારાશની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે દહેજમાં પાણીની અછતનો સામનો કરવો પડે છે જે ઉદ્યોગો અને ઉત્પાદનને અસર કરે છે. પ્રદેશમાં હાલના અને આગામી એકમોની માંગને પહોંચી વળવા ઉદ્યોગો માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.