India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડી અદાલતે પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વ્યક્ત કર્યો સંતોષ, શિક્ષણ મંત્રીએ કહી આ વાત

|
Google Oneindia Gujarati News

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યકત કરતા વડી અદાલતના અવલોકનોને આવકાર્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે સર્વગ્રાહી અવલોકનો કરીને શિક્ષણ ક્ષેત્રે સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે, તે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત છે. વડી અદાલતે રાજ્યની શાળાઓમાં નામાંકન દર, ડ્રોપ આઉટ રેશિયો, સ્ટુડન્ટ ટિચર્સ રેશિયો અંગે સંતોષ વ્યકત કર્યો છે, તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને ઉત્તરોત્તર નવી ઉંચાઇએ લઇ જવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારની સિનીયર બેંચે રાજ્યની પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગ સહિતની ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ બાબતે જે સર્વગ્રાહી અવલોકન કરીને સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે, તેને રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત ગણાવીને આવકારી છે.

રાજ્યના છોટાઉદેપૂર તાલુકાના વાગલવાડા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં મકાનના અભાવે વિદ્યાર્થીઓને ખૂલ્લામાં અભ્યાસ કરવો પડે છે, તે 2021ના વર્ષમાં ડિસેમ્બર માસના કેટલાંક અખબારી અહેવાલના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પ્રક્રિયા હાથ ધરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસેથી સ્થિતીનો ચિતાર માંગ્યો હતો.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની રાજ્યવ્યાપી સ્થિતીનું સંપૂર્ણ ચિત્ર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી મારફતે ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ આશુતોષજીની ડિવિઝનલ બેંચ સમક્ષ રજૂ કર્યુ હતું.

આ સંદર્ભમાં વડી અદાલતે રાજ્ય સરકારની સરાહના કરતાં જે અવલોકનો કર્યા છે, તેની વિગતો રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શિક્ષણ મંત્રીને આપી હતી. શિક્ષણ મંત્રીએ આ વિગતો આપતાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસે માત્ર છોટાઉદેપૂરની વાગલવાડા સ્કૂલ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની સુવિધાઓ અંગેની વિગતો પરથી જે અવલોકનો અને તારણો કાઢ્યા છે, તે રાજ્યના શિક્ષણ વિભાગ માટે પ્રેરણારૂપ બનશે.

શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસે શાળાઓના બિલ્ડિંગ, ટોયલેટ અને સેનિટેશન સુવિધા, પાણીની વ્યવસ્થા, શિક્ષણની ગુણવત્તા, શિક્ષણ સુધારાના પગલાંઓ તેમજ સ્ટુડન્ટ ટિચર્સ રેશિયો, શાળામાં રમતના મેદાન જેવી બધી જ બાબતોને પોતાના અવલોકનોમાં આવરી લીધી હતી.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, થર્ડપાર્ટી તરીકે નિયુકત કરેલા બે યુવા એડવોકેટસનો શાળાઓની સુવિધા અંગે જે સકારાત્મક અભિપ્રાય આવ્યો તેની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. રાજ્ય સરકારે પણ ખૂબ ઝિણિવટપૂર્વક ચર્ચાઓ હાથ ધરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને શાળાઓના નામાંકનથી માંડીને સુવિધાયુકત શાળા સંકુલ નિર્માણની સર્વગ્રાહી બાબતો હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી.

શિક્ષણ મંત્રીએ આ વિગતો આપતાં વધુમાં જણાવ્યું હતું કે, શાળાઓના વિદ્યાર્થીઓના નામાંકનનો દર 2003-04 માં 75 ટકા હતો. જે વર્તમાન સમયે 100 ટકા થવા આવ્યો છે. ડ્રોપ આઉટ રેઇટ 18.5 થી ઘટીને 3 ટકા, દિકરીઓનો ડ્રોપ આઉટ રેઇટ ધોરણ 1 થી 5 માં 11 થી ઘટીને 1 ટકો અને 6 થી 6 માં 22 થી ઘટીને 3.8 ટકા થઇ ગયો છે.

સ્ટુડન્ટ ટિચર્સ રેશિયો પણ જે 2001-02 માં 40:1 હતો, તે હવે 28:1 થઇ ગયો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે 2001 થી 2021 સુધીમાં 1 લાખ 37 હજાર નવા વર્ગખંડ બનાવ્યા છે. હાઇકોર્ટે પોતાના અવલોકનમાં એવું પણ નોંધ્યુ છે કે, રાજ્ય સરકાર માંગણી મુજબ સરકારી શાળાના મકાનોના બાંધકામ પણ કરતી રહી છે. 'સમગ્ર શિક્ષા' દ્વારા આવી કામગીરી ઓનલાઇન ટેન્ડરિંગ કરીને ઝડપી બનાવાઇ છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડી અદાલતે એ વાતની પણ નોંધ લીધી છે કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 4 લાખ શિક્ષકો અને 1 કરોડ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવે છે. જેણે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નીંગ આઉટકમને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરી છે. એટલું જ નહીં, રાજ્યભરની 32 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ 2 લાખ જેટલા શિક્ષકોની સુવિધા માટે કેળવણી, વહિવટી માળખાકીય અને શૈક્ષણિક સ્તર બધી બાબતોનું હાઇકોર્ટે અવલોકન કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને સરાહના કરી છે.

ગુજરાત હાઇકોર્ટના આ અવલોકનો અને સરાહનાને આવકારતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણથી લઇને સમગ્ર શિક્ષણ ક્ષેત્રે જરૂરી ખૂટતી બધી સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે. હાઇકોર્ટના આવા સકારાત્મક અવલોકનોને પરિણામે શિક્ષણ ક્ષેત્રને નવી ઉર્જા અને પ્રેરણા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને વધુ ને વધુ ઊંચે લઇ જવા માટે સંપૂર્ણ સજ્જ અને સંકલ્પબદ્ધ છે અને રહેશે.

English summary
gujarat high court expressed satisfaction over the facilities available in primary schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X