
ગુજરાત: ધોરણ 9થી 12ના પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાક્રમનો સમાવેશ, જીતુ વાઘાણીએ આપી જાણકારી
દેશભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ અગાળ આવે તે માટે સરકાર દ્વારા જબરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા સબસિડી સહિતની અનેક પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી કાળથી જ પ્રાકૃતિક ખેતી અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે અને વધુને વધુ લોકોનો પ્રાકૃતિક ખેતી તરફ ઝૂકાવ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે હવે ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીના નવા વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. નોંધનિય છેકે અત્યાર સુધી ધોરણ 9માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવ્યો હતો. હવે ધોરણ 10 અને 12મા પણ પ્રાકૃતિક ખેતીના વિષયનો સમાવેશ આગામી દિવસોમાં કરી દેવાંમાં આવશે.
મહત્વનું છેકે આજનો ખેડૂત ઉત્પાદન વધારવાની લ્હાયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરતો થયો હોવાથી જમીનની પવિત્રતા છીનવાઇ રહી છે. જેને પગલે રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આથી જમીનમાં પવિત્રતાના પ્રાણ પૂરવા સરકાર દ્વારા એક પછી એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓ માંટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 9, 2022
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી મળી રહેશે અને તેનાથી થનાર લાભ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થશે. જેથી ભવિષ્યના નાગરિકો એવા આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજીને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ 9ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ધોરણ 10 થી 12ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.