ગુજરાતમાં બર્ડ ફ્લુના કેસોના પગલે કરુણા અભિયાન માટે જાહેર કરાઈ એસઓપી
ગુજરાતના અમુક ભાગોમાં બર્ડ ફ્લુના કેસોના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે વન અને પશુપાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને કરુણા અભિયાન માટે સ્ટાડન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર(SOP)જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દર વર્ષે પતંગ ઉત્સવ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા અને તેમની સારવાર માટે કરુણા અભિયાન ચલાવે છે.
એક અધિકૃત રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડમાં બર્ડ ફ્લુના કેસોના પગલે મુખ્યમંત્રી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આ વર્ષે કરુણા અભિયાન દરમિયાન પક્ષીઓ સાથે વ્યવહારમાં અપનાવવામાં આવનાર વિશેષ સાવચેતીઓ જાહેર કરી હતી.
કોવિડ-19 મહામારી માટેની પ્રવર્તમાન ગાઈડલાઈન જેવી કે સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક પહેરવુ, સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરેને કરુણા અભિયાન દરમિયાન પણ ફોલો કરવી પડશે. એસઓપી મુજબ બર્ડ ફ્લુના કેસોના લીધે આ વર્ષે એનજીઓ વોલંટિયર્સની સંખ્યા પણ મર્યાદિત રાખવાની રહેશે. અભિયાનમાં ભાગ લેનાર સૌએ પીપીઈ કિટ્સ અને હેન્ડ ગ્લવ્ઝ પહેરવાના રહેશે તેમ એસઓપીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.
ઘાયલ અથવા મૃત પક્ષીઓની સંભાળ માટેની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. એસઓપી મુજબ જો કોઈ પક્ષીનુ શબ મળી આવે તો તેને ઝિપ-લૉકવાળી પ્લાસ્ટિકની બેગમાં રાખીને નજીકના પશુપાલન વિભાગના વેટરનરી ક્લિનિકમાં હેન્ડ ઑવર કરવાનુ રહેશે. વધુમાં તેમાં જણાવવામાં આવ્યુ છે કે ઘાયલ પક્ષીઓને કાળજીપૂર્વક કન્ટેઈનરમાં મૂકીને ત્યારબાદ તેને નજીકના સારવાર કેન્દ્રમાં ખસેડવુ પડશે અને કન્ટેઈનરને દરેક વપરાશ બાદ યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનુ રહેશે.
જે એનજીઓ આ અભિયાનમાં ભાગ લેવા માંગતા હોય તેમણે ફરજિયાતપણે પૂરતી પીપીઈ કિટ્સ, હેન્ડ ગ્લવ્ઝ, ઝિપ-લૉકવાળી પ્લાસ્ટિક બેગ અને યોગ્ય કન્ટેઈનર તેમના વોલંટિયર્સને આપવા પડશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મ્યુનિસિપાલ કૉર્પોરેશને ઘાયલ પક્ષીઓના સ્થળાંતર માટે પૂરતી પીપીઈ કિટ્સ, હેન્ડ ગ્લવ્ઝ, ઝિપ-લૉકવાળી પ્લાસ્ટિક બેગ અને કન્ટેઈનર પૂરા પાડવા પડશે.