ગુજરાતના પૂર્વ CM કેશુભાઇ પટેલના પુત્રનું નિધન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા પ્રવિણ પટેલનું અમેરિકાના ડલ્લાસમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. 60 વર્ષીય પ્રવીણભાઈ અમેરિકાના ડલ્લાસ શહેરમાં રહેતા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું. પુત્રનું નિધન થતાં કેશુભાઈના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવેલ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂર્વ સી.એમ. કેશુભાઈ સાથે ફોન પર વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભુપેન્દ્ર યાદવે કેશુભાઈની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી.
મળતી માહિતી અનુસાર, કેશુભાઈના પુત્ર પ્રવીણની અંતિમવિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. જો કે, કેશુભાઈની તબિયત સારી ન હોવાથી તેઓ અંતિમવિધિ માટે અમેરિકા નહીં જઈ શકે . 60 વર્ષીય પ્રવીણભાઈ ઘણા લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. પૂર્વ સી.એમ. કેશુભાઈને પાંચ પુત્રો અને એક પુત્રી છે. ગત વર્ષે ગાંધીનગર ખાતે કેશુભાઇના પત્નીને કંરટ લાગતા તેમનું પણ અણધઆર્યું નિધન થયું હતું, ત્યાર બાદ તેમના પરિવારના બીજા સભ્યનું મૃત્યુ થતાં પરિવારજનો શોકમગ્ન છે.