
Gujarat Opinion Poll : ગુજરાતમાં ભાજપની જીત પાક્કી, મળશે આટલી સીટો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જ્યાં 20 દિવસ પણ બાકી નથી રહ્યા ત્યાં જ એબીપી ન્યૂઝ- લોકનીતિ- સીએસડીએસના ઓપિનિયન પોલ ભાજપને ફરી એક વાર 113 થી 121 જેટલી સીટો મળવાની અને ફરી એક વાર સત્તામાં આવવાની વાત કરવામાં આવી છે. જો કે બીજી તરફ કોંગ્રેસને પણ આ વખતે 58 થી 64 સીટો મળવાની સંભાવના બતાવવામાં આવી છે. તો સાથે જ ભાજપનું ગઢ સૌરાષ્ટ્ર પીએમ મોદી અને રૂપાણી સરકારની ચિંતા વધારી શકે છે. તથા પાટીદાર સમાજનો વિશ્વાસ હજી પણ ભાજપનો વિરોધ કરી રહેલા હાર્દિક પટેલ સાથે જે તેમ પણ આ પોલમાં બહાર આવ્યું છે. ત્યારે આ પોલમાં બીજું શું કહેવામાં આવ્યું છે વિગતવાર જાણો અહીં.
કોને કેટલી બેઠક મળશે
ઓપિનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 22 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર ફરી એક વાર સત્તામાં પાછી ફરે તેવી સંભાવના છે. આ વખતે ભાજપને 113 થી 121, કોંગ્રેસને 58 થી 64 અને અન્યને 7 સીટો મળે તેવી સંભાવના છે તેમ આ પોલમાં જણાવવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત
જો કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર પર ભાજપે તેની પકડ મજબૂત કરવાની જરૂર છે તેમ આ પોલમાં જણાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 સીટો છે જેમાં 51 ટકા લોકો ભાજપ સાથે છે અને 33 ટકા લોકો કોંગ્રેસની સાથે.
મહિલાઓ ભાજપની સાથે
જો કે ગુજરાતમાં હજી પણ મહિલાઓ ભાજપને વોટ આપવામાં માની રહી છે. કુલ 50 ટકા મહિલાઓ ભાજપને વોટ આપવાનું આ પોલ દ્વારા કહી રહી છે અને 39 મહિલાઓ કોંગ્રેસની સાથે છે. વધુમાં મધ્ય ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત છે. 54 ટકા વોટર આ વિસ્તારમાં ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. અને ખાલી 38 ટકા લોકો જ કોંગ્રેસની સાથે છે.
ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાં પણ વોટ મામલે લોકોના મત બદલાયેલા જોવા મળી રહ્યા છે. 49 ટકા લોકોએ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને પસંદ કરી છે તો 44 ટકા લોકો અહીં ભાજપને પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જેવા વિસ્તારોમાં પાટીદારોની સંખ્યા વધુ છે. અને અનામત મુદ્દા પછી પાટીદારો કોંગ્રેસ તરફ ખેંચાયા છે.
હાર્દિક છે લોકપ્રિય
આ ઓપિનિયન પોલમાં તે વાત પણ બહાર આવી છે કે ભાજપના ભારે પ્રયાસો પછી પણ યુવા નેતા તરીકે લોકપ્રિયતાનો તાજ હાર્દિક પટેલ સાચવી શક્યા છે. ગુજરાતમાં પાટીદાર સમાજમાં હજી પણ હાર્દિક પટેલ ખૂબ જ લોકપ્રિય છે. અને 64 ટકા લોકો તેને પસંદ કરી રહ્યા છે.
ભાજપના ગઢમાં કોંગ્રેસ
જો કે ભાજપનો ગઢ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઇ છે. બન્ને પાર્ટીને અને 42-42 ટકા વોટ મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ પોલ ગુજરાતના 200 પોલિંગ બૂથના 3,757 લોકોની પસંદના આધારે લેવામાં આવ્યો છે. આ ઓપિનિયન પોલ એબીપી ન્યૂઝ, લોકનિતિ અને સીએસડીએસ મળીને બનાવ્યો છે. જેને જોતા ગુજરાતમાં ભારે મુશ્કેલી પછી પણ ભાજપ મજબૂત સ્થિતિએ છે તેમ કહેવામાં આવ્યું છે.