ગુજરાતના જામવાળામાં વીજ કંપનીએ 21 લાખનો દંડ ફટકારતા ગરીબ ખેડૂતની આત્મહત્યા
ઉના, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓમાં રાજ્યમાં ઔદ્યોગિકીકરણને ભરપૂર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ અસહ્ય બોજાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ બાબતનો પુરાવો ગુજરાતના ઉનામાં આવેલા જામવાળા ગામે એક ખેડૂતે કરેલી આત્મહત્યા છે.
ગુજરાતમાં આવેલા ઉનાના જામવાળા ગામે રહેતા 70 વર્ષના ખેડૂત જીવાભાઈ ગજેરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકની સ્યૂસાઈડ નોટમાં જણાવ્યા મુજબ તેમને વીજકંપનીએ રૂપિયા 21 લાખનો દંડ કર્યો હતો. આ દંડ તેમનાથી ભરપાઈ થઈ શકયો ન હતો. જીવાભાઈએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે PGVCLની પઠાણી ઉઘરાણીથી હેરાન થઈ તેમણે આ પગલું ભર્યુ છે.
ઉલ્લેખનીય છે કે મૃતક ખેડૂતના પરિજનોએ રૂપિયા 10 લાખ તો ભરી દીધા હતા. વર્ષ 2007માં કોડિનાર PGVCL કંપનીમાં ફરજ બજાવતાં કાથડ નામના અધિકારીએ આ ખેડૂતને ખોટી રીતે રૂપિયા 21 લાખનો દંડ કર્યો હતો.
જીવભાઈના પુત્રના કહેવા અનુસાર PGVCL દ્વારા ખોટી રીતે દંડ કરાયા બાદ, તેમના પિતાએ અઢી વીઘા જમીન વેચીને રૂપિયા 10 લાખ ભર્યા હતા. પરંતુ PGVCLના અધિકારીઓ જીવભાઈને વારંવાર ધમકીઓ આપી રહ્યા હતા.
PGVCL કોડિનાર શાખામાં ફરજ બજાવતાં કાથડ નામના અધિકારીએ કેટલાય ખેડૂતોને ડૂબાડયા હોવાની વાતો બહાર આવી છે.