
ગુજરાતમાં મેઘમહેર, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની મહેર છેવટે થઈ છે અને સમગ્ર રાજ્યમાં ચોમાસુ જામી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, દાદરા નગરહવેલી, દાહોદ, તાપીમાં પણ વરસાદ થયો છે. રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ ભારે તારાજી પણ સર્જાઈ છે.

ભારે પવન પછી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ રચાયો હતો. કલ્યાણપુર અને રાવલમાં ભારે પવન પછી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. દરિયાઈ વિસ્તારોમાં પણ પવન ફૂંકાયો હતો. દાદરા નગરહવેલી સેલવાસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યા પછી વરસાદ તૂટી પડ્યો હતો. લીમડીમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકયા હતા. તાપી જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

વાવાઝોડા સાથે વરસાદ
રાજકોટમાં છેલ્લા બે દિવસના અસહ્ય ઉકળાટ અને બફારા પછી રવિવારે બપોર પછી વાતાવરણ પલટાયુ હતુ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. રાજ્યમાં ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભારે તારાજી પણ સર્જાઈ છે. સુરતના ઉમરપાડામાં ગોંદલીયા અને ઝરપણ ગામે વાવાઝોડા સાથેના વરસાદના કારણે નુકશાન થયુ હતુ. મહિસાગરમાં એક બાળકી વીજ પોલને અડી જતા વીજળીના થાંભલા સાથે ચોંટી ગઈ હતી. આસપાસના લોકોએ આવી બાળકીને બચાવ કર્યો હતો.

5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી તાપીમાં વરસાદની આગાહી છે. વળી, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હજુ વરસાદની રાહ જોવી પડે તેવી સંભાવના છે.