
સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, વાવણી શરુ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ અરબી સમુદ્રમાં વરસાદી એક્ટિવિટીની અસર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, વાવણી શરુ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસવાનુ ચાલુ રહ્યુ હતુ. ગ્રામ્ય વિસ્તારોાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોરાજી ઉપરાંત જેતપુર, ઉપલેટામાં તેમજ બોટાદના ગઢડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં પણ વરસાદની એન્ટ્રી
સુરતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ. સુરતના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સીમાડા અને સરથાણા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. વળી, વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને બાદમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા.

5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
દાદરા નગર હવેલીમાં વાતાવરણ પલટાયુ હતુ. વાદળછાયા વાતાવરણ બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસશે જ્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં બે દિવસ મેઘરાજાની મહેર રહેશે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.