
ગુજરાતના આ જિલ્લાઓમાં ચોમાસુ જામ્યુ, વલસાડમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઘણા સ્થળોએ અડધાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડમાં સાડા છ ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. પારડીમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા-ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.

વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વલસાડમાં આજે વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે. 28 ગામોને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. હાલમાં જ નગરપાલિકાએ પ્રીમોન્સુન કામગીરી કરીને રોડ પણ ઉંચો લાવ્યા હતા. ત્રણ કલાકના વરસાદમાં અહીં ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
ભાવનગરના મહુવા તેમજ જેસરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેસર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રબારિકા, ઈટિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની મહેરના પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. સતત વરસાદના કારણે બીલા ગામની માલણ નદીમાં ઘોડાપુર આવ્યુ છે.

રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદનુ જોર વધશે અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. વળી, કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.