ગુજરાત સરકારે વિકાસ કાર્યો માટે ફાળવ્યા રૂ.15 કરોડ
અમદાવાદઃ ગુજરાત સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના(SJMMSVY) હેઠળ રાજ્યના 4 શહેરોમાં વિકાસ કાર્યોમાં તેજી લાવવા માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020-21 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે સડક યોજના હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનને 5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમમાંથી 1 કરોડ રૂપિયા કોબા-ઈન્દિરા બ્રીજ રોડથી ભાટ ગામ માર્ગને મજબૂત કરવા માટે વાપરવામાં આવશે. જ્યારે 4 કરોડ રૂપિયા ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ આવતા ઔડાના 13 વિસ્તારોમાં આવતા રસ્તાઓ બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી રૂપાણીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહેસાણા મ્યુનિસિપાલિટીને ખાનગી સોસાયટીઓમાં સી સી રોડ્ઝ, પેવર બ્લૉક તેમજ પીવાના પાણીની પાઈપલાઈનોના 94 કાર્યો માટે રૂ. 5 કરોડ 44 લાખની રકમ ફાળવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતમાં પણ વડનગર મ્યુનિસિપાલિટીને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 3 કરોડ 46 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ દરબારગઢ તેમજ વડનગર શહેરથી 3-4 કિમી દૂર સુધીના અન્ય વિસ્તારોમાં રોજિંદા પાણીના વપરાશનો પૂરવઠો પૂરો પાડવા માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત પાણીનો બગાડ તેમજ લીકેજ અટકાવવા માટે બહારના વિસ્તારોને ડી1 લાઈનથી જોડતી પીવીસી લાઈનોને રિપ્લેસ કરવામાં પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અમદાવાદ જિલ્લાની ધોળકા મ્યુનિસિપાલીટીને રૂ. 1 કરોડ 11 લાખ રૂપિયા ફાળવ્યા છે જેનો ઉપયોગ સીસી રોડ, પીવાના પાણીની લાઈનો તેમજ સ્ટૉર્મ વૉટર ડ્રેઈન, સાર્વજનિક ભાગીદારીવાળી ખાનગી સોસાયટીઓમાં પાણીની લાઈનો જેવા 10 કાર્યો માટે કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી ધોળકાના લગભગ 650 પરિવારોને લાભ મળશે. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતના શહેરો અને નગરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે 2016-17થી ડિસેમ્બર 2020 સુધીના છેલ્લા 4 વર્ષોમાં રૂ.15,783.73 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
SCનો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ રોકવાનો ઈનકાર