For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું બજેટ : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ મહત્ત્વપૂર્ણ કેમ?

ગુજરાતનું બજેટ : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ મહત્ત્વપૂર્ણ કેમ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ થઈ ગયું. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તથા 14મી વિધાનસભા દરમિયાન ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હશે.

ચૂંટણીના અનુસંધાને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2022-'23 માટે લોકરંજક બજેટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે, જેથી કરીને કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ત્રસ્ત જનતાને થોડી રાહત મળી રહે.

bhuendra patel

બુધવારથી શરૂ થયેલું ગુજરાત સરકારનું બજેટ સત્ર તા. 31મી માર્ચ સુધી ચાલશે. ગૃહમાં સત્તારૂઢ ભાજપની બહુમતી જોતા બજેટ પસાર કરાવવામાં કોઈ સમસ્યા થશે તેમ જણાતું નથી.

'એક દેશ, એક કરમાળખા'ની વિભાવનાને સાકાર કરવા માટે GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ) લાગુ થયું છે ત્યારથી સામાન્ય રીતે રાજ્યના બજેટનું આકર્ષણ રહેતું નથી.

છતાં જંત્રી, વાહનો પર ટૅક્સ, સ્ટૅમ્પ ડ્યૂટી વગેરે જેવી બાબતો તથા આવક-જાવકનો અંદાજ રાજ્ય સરકાર તૈયાર કરતી હોય છે.

ઉલ્લેખનીય છે કે નિર્ધારિત ટાઇમટેબલ પ્રમાણે, ડિસેમ્બર-2022માં નવી સરકારનું ગઠન થવાનું છે, પરંતુ તેનો ઘણોખરો મદાર ઉત્તર પ્રદેશ વિધાનસભાનાં ચૂંટણીપરિણામો પર પણ રહેશે એવું રાજકીય વિશ્લેષકો માને છે.


બજેટ: પક્ષ અને વિપક્ષ

ગુજરાતમાં વિપક્ષ કૉંગ્રેસ દ્વારા બજેટનું જીવંત પ્રસારણ કરવા માટે માગ કરવામાં આવી હતી, પરંતુ આ અંગે અદાલતમાં સુનાવણી ચાલી રહી હોય સરકારે લાઇવ ટેલિકાસ્ટ કરવાની માગ નકારી કાઢી છે.

જોકે, રાજ્યપાલનું ભાષણ અને ઍડિટેડ ચર્ચાઓ સરકારી સ્રોતના માધ્યમથી ખાનગી ચૅનલો પર પ્રસારિત થાય છે.

ચૂંટણી પહેલાંનું આ મહત્ત્વપૂર્ણ સત્ર હોય તેમાં હોબાળો થવાની શક્યતા જોવાઈ રહી છે, વિપક્ષ દ્વારા પેપરલીક, બેરોજગારી, કોરોનાસંબંધિત સરકારની કામગીરી સહિતના મુદ્દે ચૂંટણી પૂર્વે પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ થશે.

સુખરામ રાઠવાનું ગૃહમાં વિપક્ષના નેતા તરીકે આ પ્રથમ બજેટ હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સરકાર બજેટ પૂર્વે યુવાઓ, મહિલાઓ, માછીમારો તથા ખેડૂતોને આકર્ષવા માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. માળખાકીય સુવિધા અને ઉત્પાદન એકમો માટે રાહત આપતી જાહેરાત થઈ શકે છે.

ખુદ નાણામંત્રી કનુ દેસાઈએ બજેટની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાત કરતા આ અંગેના અણસાર આપ્યા હતા.

https://www.youtube.com/watch?v=rDk63R8b3KE

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલના ભાવ વધી ગયા છે, જોકે હજુ સુધી તેનો બોજો ગ્રાહકનો ઉપર નાખવામાં નથી આવ્યો અને ઉત્તર પ્રદેશની ચૂંટણીના મતદાન પછી ભાવ વધશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

નવેમ્બર-2021માં ભાજપશાસિત રાજ્યો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન ઉપર પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડી નાખવામાં આવ્યો હતો, પરંતુ મોટા ભાગનાં વિપક્ષ શાસિત રાજ્યો તેને અનુસર્યા ન હતાં.

વડોદરા, ભરૂચ, વાપી અને અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારને જોતાં ક્રૂડના ભાવ ઘટાડવાની માગ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકાર વધુ એક વખતમાં ઘટાડાની જાહેરાત કરશે કે કેમ તે એક સવાલ છે.

ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન લૅન્ડ ગ્રૅબિંગ ઍક્ટમાં સુધાર, અશાંતધારામાં સુધાર, નવી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના સંબંધિત બિલ, રખડતાં ઢોર પર નિયંત્રણ માટેનું બિલ રજૂ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી.


પેપરલૅસ બજેટ અને મોબાઇલ ઍપ્લિકેશન

ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા પેપરલૅસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પર અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં બજેટ મૂકવામાં આવ્યું હતું.

આ સિવાય બજેટની હાઇલાઇટ્સ, બજેટ વિશે જાણવા જેવું, બજેટ વિશેના સમાચાર અને રસપ્રદ વિગતો મૂકવામાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ નાણામંત્રી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા 18 વખત બજેટ રજૂ કરવાનો કીર્તિમાન ધરાવે છે.

મુંબઈ રાજ્યમાંથી પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા પછી 1960-61માં ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું.

બજેટસંબંધિત અલગ-અલગ 70થી વધુ જેટલા પ્રકાશનો ધારાસભ્યો, પત્રકારો, રાજ્ય તથા કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગોને મોકલવામાં આવે છે.

બજેટના ડિજિટલ પ્રકાશનથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે એવું સરકારનું અનુમાન છે.


https://www.youtube.com/watch?v=iFpfyhcBQbI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat's budget: Why is the first budget of Chief Minister Bhupendra Patel's government important?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X