ગુજરાતના રાજમહેલો : રાજવી ઠાઠમાઠના ઇતિહાસમાં ડોકિયું કરાવતા જીવંત પ્રતીક
આજે દેશમાં અને ગુજરાતમાં રાજા રજવાડાઓ ભલે ઇતિહાસ બની ગયા હોય, પણ તેમની બાકી રહેલી નિશાનીઓ આજે પણ રાજવી પરંપરા, વૈભવ, જુસ્સો, શૌર્ય, ઠાઠમાઠ અને વફાદારીના જીવંત પ્રતીક સમાન છે. આ નિશાનીઓમાં ખાસ કરીને રાજમહેલો આજે પણ લોકોને દિલને ઇતિહાસ બનેલા સમય પર ગર્વની લાગણીનો અનુભવ કરાવે છે.
ગુજરાતમાં આવા અનેક રાજમહેલ છે જે રાજવીઓના દબદબા, વટ અને વૈભવને સાચવીને જીવી રહેલા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે રાજમહેલો આવેલા છે. રાજ પરિવારોનું અસ્તિત્વ ભલે ઝાંખુ થઇ રહ્યું હોય પણ તેમના મહેલ આજે પણ રાજવી ઠાઠમાઠના દર્શન કરાવે છે.
આ સાથે એક સત્ય હકીકત એ પણ છે કે દેશમાં લોકશાહીની સ્થાપના થયા બાદ રાજાઓને સાલિયાણા બાંધી આપવામાં આવ્યાં હતા. દિન પ્રતિદિન મોંઘવારી વધતાં હંમેશાં ઠાઠમાઠમાં રહેવા ટેવાયેલા રાજાઓએ તેમના મહેલોને હવે હોટલમાં કન્વર્ટ કરી તેમણે આવકનું સાધન ઊભું કર્યું છે.

ગુજરાતમાં રાજા રજવાડાનું અસ્તિત્વ
રાજ્યમાં હાલ 10 રાજમહેલો છે. તેમાંથી 8 રાજમહેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે. આમ પણ રાજા રજવાડાના ઇતિહાસમાં ગોહિલવાડ, ઝાલાવાડ, કાઠિયાવાડ પંથકના રાજાઓ ઇતિહાસના પાને અમર થયા છે. ગુજરાતના ટોપ 10 રજવાડાંઓમાં પણ ટોપ 8 રજવાડાંઓ અને રાજમહેલ સૌરાષ્ટ્રમાં આવેલા છે. વાંકાનેર, માંડવી, ગોંડલ, જામનગર, રાજકોટ, વઢવાણ અને ભૂજનાં રજવાડાંઓ આજે પણ ઇતિહાસ ઉપરાંત લોકો માટે રજાઓમાં ફરવા જવા માટેનાં હોટ ફેવરિટ સ્થળ તરીકે સ્થાન પામ્યાં છે.

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ તેની ભવ્યતાને કારણે વિશ્વની ધરતી ઉપર ઊતરેલું બીજું સ્વર્ગ હોય તેવો અનુભવ કરાવે છે. આ સમૃદ્ધ અમૂલ્ય ગુજરાતી વારસાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઇંગ્લેન્ડના બંકિગહામ પેલેસથી ચાર ગણો વિશાળ અને મોટો છે. વર્તમાન સમયમાં લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત અંદાજે 1,80,000 કરોડ ગ્રેટ બ્રિટન પાઉન્ડ (જીબીપી) આંકવામાં આવે છે.

રણજિત વિલાસ પેલેસ, વાંકાનેર
સૌરાષ્ટ્રમાં આવેલો રણજિત વિલાસ પેલેસ ઇટાલિયન અને યુરોપિયન શૈલીના સમન્વયથી બનાવાયેલો ગુજરાતનો પહેલો મહેલ છે. જેમાં આરસ પહાણના ઉપયોગથી સુંદર ઇન્ટિરિયર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. વાંકાનેર શહેરની મધ્યમાં આવેલો આ મહેલ અત્યંત ખૂબસૂરત છે અને રાજા અને તેમનાં કુટુંબનું રહેઠાણ છે.

વિજય વિલાસ પેલેસ, માંડવી-કચ્છ
વિજય વિલાસ પેલેસ કચ્છ વિસ્તારનો માસ્ટરપિસ ગણાય છે. નદીના કિનારે બંધાયેલો આ મહેલ ફિલ્મોનાં શૂટિંગ માટે હોટ ફેવરિટ છે. હિંદી અને ગુજરાતી ફિલ્મોના શૂટિંગ અહીં સતત ચાલતા રહે છે.

નવલખા પેલેસ, ગોંડલ
સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ પંથકમાં આવેલો નવલખા પેલેસ વિશ્વનો ઉત્તમ આર્કિટેક્ટ નમૂનો ગણવામાં આવે છે. ગોંડલના આ રોયલ પેલેસમાં વિન્ટેજ કારોનું અદ્ભુત કલેક્શન સચવાયેલું છે. રોયલ ફેમિલીની સિગ્મિફિકન્ટ જૂની કારોનો અમૂલ્ય વારસો અહીં સચવાય છે. આવી અલભ્ય કાર આ પેલેસ સિવાય ક્યાંય જોવા મળતી નથી. આ ઉપરાંત પેલેસના મ્યુઝિયમમાં જૂની ઐતિહાસિક ચીજોનો વારસો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે.

પ્રતાપ વિલાસ પેલેસ, જામનગર
સૌરાષ્ટ્રના જામનગરમાં આવેલા પ્રતાપ વિલાસ પેલેસની ખાસિયત સ્પેશિયલ ગ્લાસથી સજાવાયેલા ત્રણ ડોમ છે. જામનગર સ્ટેટ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ ગણાતું રોયલ સ્ટેટ છે. આ સ્ટેટના રાજા 'જામસાહેબ' તરીકે ઓળખાતા હતા. જે ગુજરાતમાં સૌથી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. ભારતનો સૌથી ખૂબસૂરત પેલેસ છે. આ પેલેસ યુરોપિયન ડિઝાઇનમાંથી પ્રેરણા લઇને બનાવાયો છે.

નીલમબાગ પેલેસ, ભાવનગર
સૌરાષ્ટ્રના ભાવનગરમાં વર્ષ 1959માં ગોહિલ વંશજો દ્વારા નીલમબાગ પેલેસના નામથી આ રાજ મહેલ બંધાવાયો હતો. વર્ષો સુધી રાજા અને તેમનું કુટુંબ તેમાં વસવાટ કરતું હતું. થોડાં વર્ષો અગાઉ આ પેલેસને હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. ટૂરિઝમ ક્ષેત્રે ભારતની નીલમબાગ પેલેસને હોટલને લક્ઝુરિયસ ગણવામાં આવે છે.

ખીરાસરા પેલેસ, રાજકોટ
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ રાજ મહેલનું પણ ખાસ મહત્વ છે. તેની સુંદરતાને કારણે તે ફિલ્મ સ્ટારોની પહેલી પસંદ છે. આજે તે હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. મહેલ પ્રવાસીઓનાં રોકાણના દિવસોને યાદગાર બનાવે છે. તેની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અદ્ભુત છે. રાજકોટની નજીક આવેલા આ પેલેસને અત્યારે હેરિટેજ હોટલ તરીકે વિકસાવાયો છે.

રાજમહેલ, વઢવાણ
સૌરાષ્ટ્રના વઢવાણમાં 14 એકરની વિશાળ જગ્યામાં બનાવાયેલો આ મહેલ 19મી સદીમાં બંધાયો છે. વઢવાણનું રોયલ ફેમિલી તેમાં વસવાટ કરતું હતું. હવે તેને હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. શહેરની મધ્યે આવેલો આ પેલેસ રાજ્યનું અમૂલ્ય નજરાણું ગણાય છે.

રાજવંત પેલેસ, રાજપીપળા
રાજાશાહી ઠાઠવાળા લગ્ન માટે હોટફેવરિટ ગણાતા રાજપીપળાના રાજવંત પેલેસને પિંક પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રાજમહેલમાં અનેક ફિલ્મોનાં શૂટિંગ થયાં છે. આ ઉપરાંત રાજાશાહી ઠાઠ સાથેનાં લગ્નો પણ આ મહેલમાં યોજાય છે. ફિલ્મ શૂટિંગ અને રાજાશાહી ઠાઠવાળાં લગ્ન માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે છે.

આયના મહેલ, ભૂજ
કચ્છાના ભૂજમાં 18મી સદીમાં સ્થાપિત થયેલો આ મહેલ ભૂજ શહેરની મધ્યમાં આવેલો છે. મહારાજા લખપતસિંહ રાવ દ્વારા બંધાયેલો આ પેલેસ 1761થી અસ્તિત્વમાં આવ્યો છે. રામસિંગ માલમે ડિઝાઇન કરેલા આ મહેલને 2001ના ભૂકંપ દરમિયાન ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું.

હોટલમાં કન્વર્ટ થયેલા પેલેસ
નીલમબાગ પેલેસ - ભાવનગર , રાજમહેલ - વઢવાણ, ખિરાસરા પેલેસ - રાજકોટ, રાજવંત પેલેસ - રાજપીપળા (મધ્ય ગુજરાત), વિજય વિલાસ પેલેસ - માંડવી-કચ્છ.