For Quick Alerts
For Daily Alerts
રાજ્યનું બજેટ 20મી ફેબ્રુઆરીએ રજૂ કરશે નવા નાણાપ્રધાન
ગાંધીનગર, 19 જાન્યુઆરીઃ છેલ્લા નવ વર્ષથી ગુજરાત રાજ્યનું બજેટ પૂર્વ નાણા પ્રધાન વજુભાઇ વાળા દ્વારા રજૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે મોદી સરકારમાં નાણા પ્રધાન તરીકેની જવબાદારી મેળવનારા નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું 2013-14નું બજેટ આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી છે.
જો કે હજુ સુધી બીજા તબક્કાના બજેટ સત્રના દિવસો અને કામગીરી હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી, પરંતુ મળેલી માહિતી અનુસાર 20 ફેબ્રુઆરીથી બીજી એપ્રિલ સુધી વિધાનસભાનું સત્ર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિગતવાર કાર્યક્રમ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રથમ તબક્કાનું વિધાનસભાનું સત્ર 23 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે મળી રહ્યું છે. તેના એક દિવસ પહેલા વિધાનસભામાં ચૂંટાઇ આવેલા 181 પ્રતિનિધિઓ ધારાસભ્ય તરીકે શપથ લેશે ત્યાર બાદ 23મીએ પહેલા કાયમી નવા સ્પીકરની ચૂંટણી યોજાશે, રાજ્યપાલ ડો. કમલા બેનિવાલ દ્વારા બંધારણીય રીતરીવાજો પ્રમાણે વિધાનસભાને સંબોધન કરશે અને છેલ્લા છ માસમાં અવસાન પામેલા પુર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી પ્રથમ સત્રની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવનાર છે.