27 વર્ષે ગુજરાતમાં ફરી દેખાયો વાઘ, નાઈટ વિઝન કેમેરામાં કેદ, શોધવા માટે 5 ટીમ કાર્યરત
ગુજરાતમાં લગભગ અઢી દાયકા બાદ વાઘની હાજરી નોંધાઈ છે. વન વિભાગના કર્મચારીઓએ મહીસાગર જિલ્લામાં નાઈટ વિઝન કેમેરામાં વાઘની અવરજવર કેદ કરી છે. બે દિવસ પહેલા જ એક શિક્ષકે મોબાઈલથી વાઘનો ફોટો લીધો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારથી વન વિભાગ ગુજરાતમાં વાઘની હાજરી શોધવા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. સાથે જ નિષ્ણાતો વાઘ અભયારણ્ય સ્થાપવા માગ કરી રહ્યા છે.

1992 બાદ નથી દેખાયા વાઘ
ગુજરાત 90 દાયકા સુધી એક માત્ર રાજ્ય હતું, જ્યાં વાઘ અને સિંહ બંને હતા. જોકે 1992 બાદ અહીં વાઘના દર્શન દુર્લભ બન્યા હતા. આ જ વર્ષે છેલ્લે બનાસકાંઠાના અંબાજીના જંગલમાં પણ વાઘ દેખાયો હતો. તો ગત વર્ષે 25 જુલાઈએ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર તાપી જિલ્લાના નિઝરમાં પણ વાઘે હુમલો કર્યો હોવાની ચર્ચા થઈ હતી. જો કે, ત્યારે કોઈએ વાઘને જોયો નહોતો.

નાઈટ વિઝન કેમેરાથી નજર
મુખ્ય વન સંરક્ષક અક્ષય સક્સેનાએ સ્થાનિક વન વિભાગને વાઘ શોધવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત શિક્ષક મહેશ મેહરાએ પાડેલા ફોટાની સત્યતા ચકાસવા પણ કહ્યું છે. વાઘના પગના નિશાન દ્વારા તેની હાજરી શોધાઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં વાઘ હોવાની શક્યતા છે, ત્યાં 3 નાઈટ વિઝન કેમેરા લગાવાયા છે.

મધ્યપ્રદેશમાંથી આવ્યો વાઘ, વન વિભાગનું સમર્થન
ગુજરાતના વન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યના જંગલમાં વન કર્મચારીઓએ સંતરામપુરમાં વાઘ જોયો હતો. વન વિભાગનું માનવું છે કે વાઘ મધ્યપ્રદેશથી મહીસાગર જિલ્લામાં અને બાદમાં આ જંગલમાં પહોંચ્યો છે.

વાઘની વસ્તી વધારવા પ્રયાસ થશેઃ વસાવા
વાઘ દેખાયા બાદ રાજ્યના વન પ્રધાન ગણપત વસાવા ગદગદ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે,'અમે વાઘનું સ્વાગત કરવા તૈયાર છીએ. વન વિભાગના સર્ચ ઓપરેશનમાં આ વાઘની હાજરી નાઈટ વિઝન કેમેરામાં ઝડપાઈ છે. ગુજરાતના જંગલમાં સિંહ અને દીપડાની સાથે સાથે વાઘની વસ્તી વધારવા પણ પ્રયત્ન થશે.'

શિક્ષકનો દાવો, સૌથી પહેલા જોયો હતો વાઘ
કેટલાક દિવસો પહેલા ગુગલિયા એલિમેન્ટ્રી શાળાના શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે વાઘનો ફોટો પાડ્યો છે. શિક્ષકનું નામ મહેશ મેહરા છે. તેમનું કહેવું છે કે,'જ્યારે હું સ્કૂલેથી ઘરે આવી રહ્યો હતો, ત્યારે મેં મારી ગાડીમાંથી વાઘને પસાર થતા જોયો. વાઘ જંગલમાં જઈ રહ્યો હતો. પહેલા મને વિશ્વાસ ન આવ્યો. પણ તે સાચે વાઘ જ હતો. એટલે મેં કાર પાર્ક કરીને મોબાઈલથી ફોટો પાડ્યો. બાદમાં મેં સ્થાનિકોને પણ કહ્યું, ત્યારે તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું.'

5 ટીમો કરી રહી છે શોધખોળ
DCFના અધિકારીઓએ વાઘની માહિતી મળ્યા બાદ તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મહીસાગરના જંગલમાં વાઘને શોધવા 5 ટીમો બનાવાઈ છે. લુણાવાડા તાલુકામાં જંગલ ખાતાની એક ટીમે વાઘના વાળ અને પગના નિશાન હોવાની ખાતરી કરી છે. વાઘ પાનમ ડેમથી સંતરામપુરના જંગલ બાજુ ગયો છે.

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે બની શકે છે રસ્તો
તો બીજી તરફ વાઘની હાજરી વિશે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લિમિટેડના કોર્પોરેટ વિભાગના અધ્યક્ષ પરિમલ નથવાણીનું કહેવું છે કે સરકાર અને વન વિભાગે સતર્ક થઈ જવું જોઈએ. વૈજ્ઞાનિક પુરાવાના આધારે વાઘના અવશેષ, પંજાના નિશાન જોતા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે એક ખાસ વિસ્તાર બનાવી શકાય છે.
આ પહેલા જાન્યુઆરી 2017માં ગુજરાત સરકારને લખેલા પત્રમાં નથવાણીએ કહ્યું હતું કે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકપોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓએ પણ ગુજરાતના જંગલની મુલાકાત લીધી હતી અને વાઘ જોયો હતો. નથવાણીએ કહ્યું કે એશિયાટિક લાયનની સાથે વાઘના સંરક્ષણ પર ધ્યાન આપવાનો આ યોગ્ય સમય છે. રાષ્ટ્રીય પશુના સંરક્ષણ ઉપરાંત વન્ય જાનવરોના ભોજન માટે ઉષ્ણકટિબંધીય પશુઓની સંખ્યા જાળવી રાખવા પણ યોગ્ય ઉપાય કરવાજ રૂરી છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર માટે પ્રવાસન ક્ષેત્ર બનાવવાની આ ઉત્તમ તક છે.

ટાઈગર સેન્ચ્યુરી બનશે
નથવાણીએ ઉમેર્યું, 'વાઘની હાજરી ગુજરાતના વન્યજીવોને વધુ સમૃદ્ધ બનાવશે. જગજાણીતી વાત છે કે ગુજરાતમાં એશિયાટિક લાયનની હાજરીને કારણે પ્રવાસન વિકસ્યુ છે. જો ટાઈગર સેન્ચ્યુરી બનશે તો ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મહ્તવ મળશે.' નથવાણીએ ગુજરાતમાં વાઘના સંરક્ષણ માટે તમામ જરૂરી પગલા લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગોને પત્ર લખ્યો.