ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં સરકારે મહત્વનું કદમ ઉઠાવ્યું છે. આ માટે રચાયેલી ખાસ સમિતિએ 209 પાનાનો વિસ્તૃત રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે.
આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન રિલેશનશિપને લઈને અનેક મહત્વની ભલામણો કરવામાં આવી છે. 24 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં આ પ્રસ્તાવિત નિયમો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

નવા નિયમ મુજબ ગુજરાતમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોએ એક મહિનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જો નોંધણી વગર સાથે રહેશે તો ત્રણ મહિનાની જેલ અથવા દંડની જોગવાઈ છે.
જો કોઈ વ્યક્તિ છેતરપિંડી કરીને લિવ-ઈન રિલેશનશિપ માટે સહમતી મેળવશે તો તેને 5 વર્ષની સજા થઈ શકે છે. લિવ-ઈન બાબતે ખોટી વિગતો આપનાર સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય ગણવામાં આવી છે. લગ્ન સમયે બંને પક્ષકારોમાંથી કોઈના પણ જીવનસાથી હયાત ન હોવા જોઈએ તેવો નિયમ છે.
રાજ્યમાં લગ્નની નોંધણી કરાવવી હવે ફરજિયાત બનશે, જેમાં એક પક્ષકાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. સમાન નાગરિક સંહિતા અમલમાં આવ્યા બાદ છૂટાછેડાની પ્રક્રિયા પણ નિયમોનુસાર જ કરવાની રહેશે.
છૂટાછેડાના કિસ્સામાં કોર્ટ અરજદાર અને પ્રતિવાદી બંનેની આવક ધ્યાને લઈને ભરણપોષણની રકમ નક્કી કરશે. પત્નીને મળેલું સ્ત્રીધન કે ભેટ ભરણપોષણની રકમ ઉપરાંત તેની પાસે સુરક્ષિત રહેશે તેવું જણાવાયું છે.
વારસા હક મામલે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મૃતકના જીવનસાથી અને સંતાનોને સમાન હિસ્સો મળશે. વસિયત વગર મૃત્યુ પામનાર વ્યક્તિની મિલકતમાં તમામ વારસદારોનો કાયદેસરનો અધિકાર રહેશે.
મહત્વની વાત એ છે કે આ સમાન નાગરિક સંહિતાના નિયમો અનુસૂચિત આદિજાતિને લાગુ પડશે નહીં. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આદિવાસી સમાજની પરંપરાઓને આ કાયદાથી અલગ રાખવામાં આવી છે.
જો લગ્ન કે છૂટાછેડાની નોંધણીમાં કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી વિગતો આપશે તો તેને જેલ થઈ શકે છે. રજિસ્ટ્રાર પાસે ખોટી માહિતી રજૂ કરનારને 1 વર્ષની કેદ અથવા 10 હજારનો દંડ થશે.












Click it and Unblock the Notifications
