છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં માવઠું નોંધાયુ
નવેમ્બર મહિનાની શરૂઆત થઈ હોવા છતાં ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૪ તાલુકામાં માવઠું નોંધાયું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, કચ્છના અંજારમાં સૌથી વધુ ૩.૧૯ ઇંચ વરસાદ ખાબક્યો. અન્ય વિસ્તારોમાં કરજણમાં ૨.૧૩ ઇંચ, ઘોઘામાં ૧.૩૦ ઇંચ, વડનગરમાં ૦.૯૮ ઇંચ, વિસનગરમાં ૦.૮૭ ઇંચ, કપડવંજમાં ૦.૬૭ ઇંચ, પાલીતાણામાં ૦.૬૩ ઇંચ, ઇડરમાં ૦.૫૫ ઇંચ અને મેઘરજમાં ૦.૫૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત, લુણાવાડા, અબડાસા, વિજયનગર, ફતેપુરા, વડાલી, પોશીના, ચાણસ્મા, જંબુસર, નડિયાદ, ઉંઝા, કડાણા, સંતરામપુર, માતર, સતલાસણા, ધંધૂકા, ગોધરા, દેવગઢબારિયા, સુઇગામ, પાટણ, પ્રાંતિજ, સાણંદ, જાંબુઘોડા, બાવળા, દાંતા, ધોળકા, કઠલાલ, તલોદ, ચુડા, બાયડ અને વાવ, ભચાઉ જેવા તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ધીમે ધીમે કમોસમી વરસાદથી રાહત મળશે અને શિયાળુ પાક માટે હવામાન અનુકૂળ બનશે. ૫ થી ૮ નવેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જ્યારે ૯ થી ૧૦ નવેમ્બરના રોજ હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.












Click it and Unblock the Notifications
