જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જામનગરના લાલપુર પંથકમાં તો કરા સાથે વરસાદ ખાબકતા તૈયાર પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

લાલપુરના અપિયા અને બબરજર જેવા ગામોમાં માવઠાને કારણે ધાણા, ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે. કુદરતી આફતને કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૮ માર્ચની સાંજ સુધીમાં રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે આકાશી આફત ત્રાટકવાની શક્યતા છે.
આગામી ૧૯ માર્ચના રોજ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે, જેનાથી સમગ્ર રાજ્યમાં મેઘી માહોલ સર્જાશે. સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે તેમ છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જેવા શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તારીખ ૨૦ માર્ચના રોજ પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહી શકે છે. આ સ્થિતિને જોતા માર્કેટ યાર્ડોએ ખેડૂતોને પાક સાચવવા માટે ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે.












Click it and Unblock the Notifications
