Gujarat Verdict: દર 4માંથી 1 મુસ્લિમ મતદારે આપ્યો BJPને મત!
ગુજરાતમાં 22 વર્ષથી સત્તા સંભાળી રહેલી ભાજપ પર જનતાએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામોથી એ વાત તો સાબિત થઇ છે કે, રાજ્યમાં હજુ પણ લોકોને ભાજપ અને તેમની વિકાસની થિયરી પર વિશ્વાસ છે. વર્ષ 2012ની સરખામણીમાં આ વખતે ભાજપને ઘણી ઓછી બેઠકો મળી છે, પરંતુ સામે સારી વાત એ છે કે, પક્ષનો વોટ શેર વધ્યો છે. વર્ષ 2012ની સરખામણીએ ભાજપના વેટ શેરમાં લગભગ 1 ટકાથી થોડો વધ્યો છે. આ સિવાય ભાજપ માટે વધુ એક સારી વાત છે કે, તેમને મુસ્લિમ વોટ બેંકનો પણ આધાર મળ્યો છે.

બદલાયા રાજકીય સમીકરણો
મોટાભાગે એવું માનવામાં આવે છે કે, મુસ્લિમ મતદારો ભાજપ સાથે પોતાને જોડી નથી શકતાં, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામે આવેલ તથ્યો ખરેખર ચોંકાવનારા છે. વેટ શેર પર નજર કરીએ તો દરેક 4માંથી 1 મુસ્લિમ મતદારે ભાજપને મત આપ્યો છે. આ કારણે જ ભાજપની જીત થોડી વધુ સરળ બની છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુસ્લિમ મતદારોના આ વલણની કિંમત કોંગ્રેસે ચૂકવવી પડી છે. કોંગ્રેસને 80 બેઠકો પર રોકવામાં આ ફેક્ટરે મહત્વની ભૂમિકા ભજવી છે.

મુસ્લિમ મતદારો
વર્ષ 2012ની વાત કરીએ તો એ સમયે કોંગ્રેસે દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોને લોભાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ ક્ષત્રિય અને કોળી મતદારોને પણ પોતાના પક્ષમાં કરવાની કવાયત કોંગ્રેસે શરૂ કરી હતી, પરંતુ તેમની રણનીતિ સફળ નહોતી રહી અને પક્ષે હારનો સામનો કરવો પડ્યો હતો. આથી જ આ વખતે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી સોફ્ટ હિંદુત્વનો આધાર લીધો હતો. રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો પાછળનું આ જ કારણ છે. વળી, કોંગ્રેસ તરફથી મુસ્લિમ મતદારોને લોભાવવાનો કોઇ પ્રયત્ન કરવામાં નહોતો આવ્યો. જેનો ફાયદો ભાજપને થયો.

સોફ્ટ હિંદુત્વની અસર
આ વર્ષની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, ભાજપ તરફથી મુસ્લિમ મતદારોને લોભાવવા માટે કોઇ ખાસ મહેનત કરવામાં નહોતી આવી. આમ છતાં, મુસ્લિમ મતદારોનો ઝુકાવ ભાજપ તરફ જોવા મલ્યો છે. કોંગ્રેસ તરફથી કોઇ ખાસ પ્રયત્નો કરવામાં ન આવતાં તેમને નુકસાન થયું છે. વળી રાહુલની સોફ્ટ હિંદુત્વ છબિની પણ થોડી અસર થઇ છે. કોંગ્રેસની આ ચૂકને કારણે તેમનો વોટ શેર નીચે ગયો છે.

વોટ શેરમાં ભાજપે મારી બાજી
કોંગ્રેસની રણનીતિનો બીજો એક જે પાસો ઊંધો પડ્યો એ છે હાર્દિક પટેલ. કોંગ્રેસે પાટીદાર અનામતની ફોર્મ્યૂલા આપીને હાર્દિક પટેલ તથા પાટીદારોને પોતાના પક્ષે કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની આ રણનીતિની ખાસ સફળ ન રહી. પાટીદાર મતદારો વહેંચાઇ ગયા, આ સિવાય કોંગ્રેસ પર ભરોસો વ્યક્ત કરરતા મુસ્લિમ મતદારો, દલિતો અને અનુસૂચિત જનજાતિના મતદારોનો પણ તેમનેસાથ ન મળ્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ છે કે, ગરીબોની સરખામણીએ વેપારી સમૂહે તેમની પર થોડો ભરોસો વ્યક્ત કર્યો છે અને મધ્યમ વર્ગે પણ કોંગ્રેસની સમર્થન કર્યું છે. આમ છતાં, કુલ વોટ શેરમાં ભાજપ કોંગ્રેસ કરતાં ઘણું આગળ છે.