ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ઠંડી ભુક્કા બોલાવશે, આવી ગઈ મોટી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. તેમના મતે રાજ્યમાં 25 નવેમ્બરથી પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જ્યારે ઉત્તર ભારતમાં શરૂ થનારી હિમવર્ષાની અસર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી લાવશે.

પરેશ ગોસ્વામી અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં પવનની સામાન્ય ગતિ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાક હતી. જોકે, 25 નવેમ્બરથી 28 નવેમ્બરની મોડી રાત સુધી પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, અને પવનના ઝટકાની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે.
ખેડૂતોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચવાયું છે. ઊંચાઈવાળા પાક ધરાવતા ખેડૂતોને પિયત આપતી વખતે 25 નવેમ્બર પછી પવનના જોરને ધ્યાનમાં રાખીને સાવધ રહેવાની સલાહ અપાઈ છે, જેથી પાકને ઢળી પડવાથી થતું નુકસાન ટાળી શકાય.
ઉત્તર ભારતમાં હવામાનમાં થતા ફેરફારો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારશે. 29 નવેમ્બર, 2025થી જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષાનો રાઉન્ડ શરૂ થશે. આ હિમવર્ષા સામાન્ય પ્રકારની રહેશે અને લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલશે.
પહાડો પર થનારી આ હિમવર્ષા બાદ ત્યાંથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવશે. પરિણામે નવેમ્બરના અંતમાં ઠંડી સામાન્ય રહેશે, પરંતુ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં તાપમાનનો પારો ઝડપથી ઘટશે. પરેશ ગોસ્વામીના મતે ડિસેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતના લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થશે. હાલમાં, ઝાકળના મોટા રાઉન્ડની શક્યતા નહિવત્ છે.












Click it and Unblock the Notifications
