ગુજરાત બનશે એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય, આટલુ હશે ભાડુ
ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે નાગરીકોને આકસ્મિક સંજોગોમાં 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે.
મંત્રી પૂર્ણેશ મોદીએ વધુ વિગતો આપતા કહ્યુ કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. તેને કેન્દ્ર સરકાર દ્ધારા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે દેશમાં સૌપ્રથમવાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં 108 દ્ધારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના 50 હજાર, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.55 હજાર તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્ધારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.60 હજાર રૂપિયા ભાડૂ નિયત કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજુરી માંગવામાં આવી છે. ઉપરાંત કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા રજુઆત કરાઈ હતી. સાથે સાથે રાજ્યમાં કાર્યરત 9 એરપોર્ટ અને 3 એરસ્ટ્રીપ પર ટ્રાફીક વધી રહ્યો છે તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે અમદાવાદ રન વેના મરામતની કામગીરી આગામી 3 તારીખથી શરૂ થવાની હતી તે સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાને લઈ આ કામગીરી આગામી 20 જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત કરાતા આ કામગીરી પણ 20 જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્ધારા પણ હકારાત્મક નિર્ણય લેવાશે.