For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ખેડૂત અને ખેતીને આત્મ નિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક: રાજ્યપાલશ્રી

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલ હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બ

|
Google Oneindia Gujarati News

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલ હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્રારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.

ACGARYA DEVVRAT

રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરીને સમગ્ર દેશના ખેડૂતોને નવી પ્રેણા પુરી પાડી છે. તેમ પણ રાજ્યપાલશ્રી આ તકે જણાવ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ કરવા ગુજરાત રાજ્યે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પુર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો. આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી સમયે ખાદ્યાન્નની પુર્તિ માટે હરિત ક્રાંતિના માધ્યમ થી રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે.

રાસાયણિક કૃષિના કારણે આજે જળ-જમીન, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. આપણે ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી દુષિત કરી છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો રહ્યો છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ, જમીન બંજર બની ગઇ. રાસાયણિક કૃષિ અને જંતુનાશકો થી પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ, જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણે કિસાનોની આવક સતત ઘટતી રહી છે.

આજે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી સમયની માંગ છે. તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે, જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે. તેમણે જણાવ્યું હતું કે, એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે, ગાયનું ગૌ મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, બેસન, ગોળ માટીના મિશ્રણથી બનતા જીવામૃત, ઘનજીવામૃત પ્રાકૃતિક ખાતર અને કલ્ચર તરીકે કાર્ય કરે છે, અને જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. અને ધરતીના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે. જેથી જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલશ્રીએ બંજર બની રહેલી ધરતીને ફળદ્રુપ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિને આશીર્વાદરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને કારણે જળ-જમીન, પર્યાવરણની રક્ષા થાય છે, લોકોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાથી તેમની સ્વાસ્થ્ય રક્ષા થાય છે, આવનારી પેઢી માટે ફળદ્રુપ જમીન વારસામાં આપી શકાશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે. પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે જ્યારે ઉત્પાદિત કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય પ્રમાણમાં વધુ મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતામા પ્રાકૃતિક રીતે વૃદ્ધિ થાય છે.

રાજ્યપાલએ ઓર્ગેનિક ખેતી અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિ થી સાવ અલગ ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવાતાં વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં રહેવા સક્ષમ નથી. વર્મીકંપોસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ખર્ચાળ છે. નીંદામણની સમસ્યાનો હલ થતો નથી એટલું જ નહિ ઓર્ગેનિક કૃષિથી શરૂઆતના વર્ષોમાં કૃષિ ઉત્પાદન ઘટે છે જેના કારણે ઓર્ગેનિક કૃષિ ખેડૂતો માટે લાભદાયી નથી બનતી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે. મિત્રજીવોની વૃદ્ધિના કારણે જમીન ફળદ્રુપ બને છે, નીંદામણ ની સમસ્યા હલ થાય છે. ઉત્પાદનોનો ભાવ પૂરતો મળે છે જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિનાં સિદ્ધાંતોને સમજાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ ગૌ મૂત્રથી બનતા બિજામૃતથી બીજનું સંસ્કરણ કરવામાં આવે છે . જીવામૃત, ઘનજીવામૃત કુદરતી ખાતર-કલ્ચરનું કામ કરે છે. કૃષિ અવશેષોની જમીનને ઢાંકવાની મલ્ચિંગ પદ્ધતિથી જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે. નિંદામણની સમસ્યાનો હલ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે જેના કારણે પાણીનો વપરાશ ૫૦ ટકા સુધી ઘટાડી શકાય છે. મલ્ચિંગને કારણે અળસિયા જેવા મિત્રજીવોને દિવસ દરમ્યાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. આ ઉપરાંત જમીનમાં હવા અને પાણીના મિશ્રણની જાળવણીથી વાપ્સાનુ નિર્માણ થાય છે. પ્રાકૃતિક કૃષિમાં મિશ્રપાકોનું પણ મહત્વ છે. પ્રાકૃતિક કૃષિના કારણે જમીનમાં અળસિયા જેવા મિત્રજીવોની વૃધ્ધિ થાય છે. જે જમીનમાં રહેલા પોષકતત્વોને શોષી શકાય તેવા સરળ પદાર્થો રૂપાંતર કરી છોડના મુળને પોષણ આપે છે. જમીન ફળદ્રુપ બને છે. અળસિયા ધરતીમાં અસંખ્ય છેદ બનાવે છે. જેના કારણે જમીન નરમ બને છે. જમીનને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અસંખ્ય છીદ્રોના કારણે પાણી જમીનમાં ઉતરવાથી પ્રાકૃતિક રીતે જળસંચય થાય છે.

રાજ્યપાલએ ગુરૂકુળ કુરૂક્ષેત્રની ૨૦૦ એકર જમીનમાં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને પ્રસ્તુત કરી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિની સાફલ્યગાથા વર્ણવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ તકે ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે, ખેતી અને પશુપાલન સૌથી જૂનો વ્યવસાય છે. આ વ્યવસાય માનવજાતના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનો હોવાથી તેનો વિકાસ થવા સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવા પ્રયોગો થવા ખૂબ જ જરૂરી હોય ત્યારે આધુનિક ખેતી પદ્ધતિ સાથે સાથે પ્રાકૃતિક ખેતીને જોડવી ખૂબ જ જરૂરી છે. જમીનમાં રાસાયણિક ખાતર તથા દવાઓના છંટકાવથી માનવજાતની સાથે સાથે પક્ષીઓને પણ તેની આડઅસર થઈ રહી છે. પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવી અપીલ પણ ધારાસભ્યશ્રીએ કરી હતી. તેઓએ રાજ્યપાલના પુસ્તકનો પણ અભ્યાસ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ તકે કૃષિ નિષ્ણાંત ડૉ. થાનકીએ પ્રાકૃતિક ખેતીના ઘટકો, તેના ફાયદાઓ, તથા જમીનની તંદુરસ્તીને રાસાયણિક ખાતરો દ્વારા થતી આડઅસર, જીવામૃત અને તેના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ પોરબંદરના આત્મા કેન્દ્ર ખાતેથી તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ તકે રાજયપાલશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત મેગેઝીન ' જગતના તાતને પ્રકૃતિનો સાદ' સપ્ટેમ્બરના અંકનું વિમોચન કર્યું હતું. રાજ્યપાલ એ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતોએ વિવિધ અનાજો, શાકભાજી, કઠોળની પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ રામભાઈ મોકરીયા સહિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર અશોક શર્માએ તથા આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન આત્મા પ્રોજેક્ટ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.

English summary
Gujarat will become a model state of natural agriculture for the entire country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X