CM રૂપાણીની જાહેરાત: રાજ્યમાં 16 નવી GIDC બનશે
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી રહી છે. મંગળવારે જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ બુધાવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે 16 નવી જીઆઇડીસી બનાવવામાં આવશે. આ અંગે તેમણે ટ્વીટ પણ કર્યું હતું. આ સાથે જ રાજ્યના ગારમેન્ટ ઉદ્યોગને બચાવવા માટે 'ગારમેન્ટ એન્ડ એપરેલ પોલિસી 2017'ની પણ જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પગાર ઉપરાંત મહિલાઓને રૂ.4000 અને પુરૂષોને રૂ.3200નું પ્રતિ માસ ભથ્થું આપવાની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર, સુરત, રાજકોટ, મોરબી, જામનગર, દાહોદ, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, સુરેન્દ્રનગર સિહતના વિસ્તારોમાં જીઆઇડીસી બનશે. આ સાથે જ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેક્સટાઇલ ઉદ્યોગને 5 વર્ષ સુધી જરૂરી મદદ કરવામાં આવશે. કાપડ ઉદ્યોગના વિકાસ માટે રૂ.20 હજાર કરોડનું રાજ્યમાં રોકાણ થયું હોવાની પણ તેમણે વાત કરી હતી. નવી ગારમેન્ટ પોલિસીથી ગુજરાતને થનાર લાભની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કપાસની પુષ્કળ ખેતી થાય છે અને તેમાંથી કાપડ બનાવવા માટે કપાસ દક્ષિણ ભારત મોકલવામાં આવે છે. એની જગ્યાએ ગુજરાતમાં જ કાપડ તૈયાર કરી તેની નિકાસ કરવામાં આવે તો રાજ્યમાં લોકોને રોજગારી મળી રહેશે.