હાર્દિકનો દાવો, ભાવનગરમાં બંધ થઇ ગઇ રો-રો ફેરી યોજના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલ ચહેરામાં પાટીદાર નેતા હાર્દિક પટેલનો પણ સમાવેશ થાય છે. હાર્દિક પટેલે શુક્રવારે ટ્વીટ કરી ભાજપના વિકાસ પર પ્રશ્ન કર્યો હતો. હાર્દિકે લખ્યું હતું કે, ભાવનગરમાં ચૂંટણી પહેલાં મોદી સાહેબે રો-રો ફેરી યોજનાની શરૂઆત કરી હતી, પરંતુ આજે આ યોજના બંધ થઇ ગઇ છે. વિકાસમાં ગડબડ થઇ છે. ઉલ્લેખનીય છે કે, પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ) દ્વારા 30 ડિસેમ્બરના રોજ બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે, ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરોમાં હાર્દિક પટેલની સભાઓ અને વાતોની અસર ઓછી થઇ છે. વળી ચૂંટણીમાં હાર્દિકના અનેક વિશ્વાસુઓ એનાથી છૂટા પડી ગયા છે.
વરુણ પટેલ, રેશ્મા પટેલ હાર્દિકની ખૂબ નજીક કહેવાતા હતા, જેમણે ચૂંટણી પહેલાં જ ભાજપ સાથે મિલાવ્યા હતા અને એ પછી ચૂંટણીના ગણતરીના દિવસો પહેલાં પાસ કોર કમિટિના સભ્ય અને હાર્દિકની ખૂબ નજીક ગણાતા દિનેશ બાંભણિયા સાથે પણ તેનો મતભેદ થયો હતો. આથી હવે હાર્દિક પટેલ અને પાસ નવી કોર કમિટી અને આંદોલનને યોગ્ય દિશામાં ધપાવવા અંગે વિચાર કરી રહી છે. બોટદાની આ શિબિરમાં હાર્દિક સહિત 2500 કાર્યકર્તાઓ હાજર રહેનાર છે. પાસના અનેક કાર્યકર્તાઓ ચૂંટણી પરિણામો બાદ હાર્દિકથી નારાજ હોવાનું કહેવાઇ રહ્યું છે. બોટાદ પાસ કન્વીનર દીલિપ સાબવાએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં દિનેશ બાંભણિયાને બોલાવવામાં નથી આવ્યા. નવી કોર કમિટી અને આંદોલન સિવાય અહીં ઇવીએમનો વિરોધ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીમાં લોકોની વેદના નહીં, ભાજપનું ઇવીએમ ચાલ્યું છે. આથી અમારો મુખ્ય એજન્ડા ઇવીએમનો વિરોધ રહેશે, નહીં તો ભાજપ આ જ રીતે ઇવીએમ સાથે ચેડા કરી ચૂંટણીઓ જીતવાનું ચાલુ રાખશે.