હાર્દિક પટેલે ફરી શરૂ કર્યું આંદોલન, પણ આ મુશ્કેલી છે સામે
પાસ લીડર હાર્દિક પટેલે ચૂંટણી બાદ ફરીથી પાટીદાર અનામત આંદોલન શરૂ કરવાની તબક્કા વાર શરૂઆત કરી છે. જેમાં ભૂતકાળમાં થયેલી ભુલો અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં નબળા પ્રતિસાદને જોતા તેણે આ વખતે શહેરી વિસ્તારમાં પાસના સગંઠનને મજબુત કરવા માટે શરૂઆત કરી છે. જેમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના પાસના સભ્ચો સાથે મીટીંગ કરીને આગામી 2019ની ચૂંટણીમાં ભાજપમાં હરાવવા માટે તેમજ અનામત આંદોલનને આગળ લઇ જવા માટેની ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા હાર્દિકના નજીકના ગણાતા દિનેશ બાંમભણીયા, વરૂણ પટેલ, રેશ્મા પટેલ જેવા દિગ્જજો હાર્દિક સાથે છેડો ફાડી ચુક્યા છે.

ત્યારે ફરીથી હાર્દિકને તેની નવી ટીમ બનાવી પડે તેમ છે. ખાસ કરીને રાજકોટ, સુરત અને ભાવનગર પાસની ટીમ દ્વારા ધાર્યુ પરિણામ મળ્યું નહોતું અને ભાજપ તમામ બેઠકો જીતી ગઇ હતી. તો બીજી તરફ કોગ્રેસ મજબુત વિપક્ષ બન્યા બાદ હાર્દિકને પોતાનાથી દુર કરી રહ્યું છે. તેથી હાર્દિક માટે હવે ખુબ આકરા ચઢાણ બની રહે તેવી શક્યતા છે. જો કે હાર્દિક માટે રાહતની વાત એ છે કે વડગામના ધારાસભ્ય અને દલિત લીડર જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે ખુલીને હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે, જો કે હાલની સ્થિતિ જોતા હાર્દિકને પહેલા જેવા સ્થાનિક સ્તરે સપોર્ટ મળે તેવી શકયતા પણ ઓછી છે.
જો કે હાર્દિકના નજીકના સુત્રોએ જણાવ્યું કે હાલ હાર્દિક પાસનું સગંઠન બનાવવા ઉપરાંત, આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પણ મોટાપાયે સક્રિય રહેશે. જેથી આગામી 10 દિવસમાં પાસની કોર કમિટીની રચના કરવામાં આવશે. જો કે બીજી તરફ ભાજપે પાતળી બહુમતીથી સરકાર બનાવતા હવે સરકાર પણ પાણી પહેલા પાળ બાંધવા તૈયાર હોવાથી હાર્દિકની રાષ્ટ્રદ્રોહના કેસમાં ધરપકડ કરે તેવી પણ શકયતા છે.બીજી તરફ સીડીકાંડના કારણે હાર્દિકની છબીને નુકશાન થયું હતુ જેમાં પાસના નજીકના લોકોની સંડોવણીના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે નવી ટીમમાં કોઇ ભાજપ પ્રેરિત માણસ પણ ન આવી જાય તે બાબત પર પણ હાર્દિકને સંભાળવુ પડે તેમ છે. જો કે હાલ હાર્દિક શહેરી વિસ્તારમાં સગંઠનને મજબુત કરવા માટે ફોક્સ કરે તેવી શક્યતા છે.