ઉતરાયણ પહેલા રાજકોટ-વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા
ઉતરાયણનો તહેવાર નજીક આવતા ઠેરઠેર તલ અને સિંગ તથા દાળિયાની ચીકીઓ બનવા લાગતી હોય છે અને રસ્તા પર તેમજ દુકાનોમાં મોટા પાયે વિવિધ પ્રકારની ચીકી બનતી હોય છે, ત્યારે રાજકોટમાં સતત સતર્ક રહેતા આરોગ્ય વિભાગે ચીકીઓના ખૂમચા, લારીઓ તથા દુકાનોમાં દરોડા પાડ્યા છે અને ચીકી બનાવવા માટે વપરાતા માલની ચકાસણી શરૂ કરી છે. મોટા પાયે લોકો તૈયાર ચીકી ખરીદતા હોય છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા ન થાય તેનુ ધ્યાન રાખવું પાલિકાના આરોગ્ય વિભાગની જવાબદારી છે.
તો બીજી તરફ રાજયના વડોદરા શહેરમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ચીકીનું વેચાણ કરતા દુકાનદારો પાસે નમૂના લીધા છે. આ કામગીરીમાં બે ટીમ જોડાઈ છે અને તેઓ પેકિંગ તેમજ માલની ચકાસણી કરી રહ્યા છે. અગાઉના સમયમાં સ્ત્રીઓ ઘરે જ વિવિધ પ્રકારના પાક અને તલ સાંકળી, સીંગ પાક, ડ્રાયફૂટ પાક કે ખજૂર પાક બનાવતી હતી, પરંતુ હવે બજારમાં પણ મોટા પાયે તૈયાર ચીકી વેચાતી હોય છે અને નોકરિયાત ગૃહિણીઓ તૈયાર ચીકી ખરીદી કરતી હોય છે. ત્યારે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આગામી દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચીકીની બનાવતી દુકાનોમાં આરોગ્ય વિભાગની તવાઈ આવી શકે છે.