
ભારે વરસાદથી ગુજરાતમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાયું
અમદાવાદ, 27 સપ્ટેમ્બર : ગુજરાતમાં આ સપ્તાહે પડેલા ભારે વરસાદને પગલે લોકોનું જનજીવન ખોરવાઇ ગયું છે. નદીઓમાં પૂર આવ્યા, જેના પાણી શહેરો અને ગામડાંમાં ઘૂસી ગયા અને લોકોના ઘરમાં પાણી ભરાઇ જતા રોગચાળાનો ભય ફેલાયો છે. જો કે વાત અહીંથી અટકી જતી નથી. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓના પાણી શહેરો અને ગામડાંઓમાં ફરી વળ્યા તેની સાથે રાસાયણિક પ્રદૂષણ પણ ઠેર ઠેર પ્રસરી ગયું છે.
આ સમસ્યા પર બિનસરકારી સંગઠન પર્યાવરણ સુરક્ષા સમિતીએ ધ્યાન દોર્યું છે. સમિતીએ દાવો કર્યો છે કે સૌથી વધારે પ્રદૂષણ વાપી, વેરાવળ અને વડોદરામાં ફેલાયું છે. અહીંની નદીઓમાં ઠલવાતા રાસાયણિક કચરાને કારણે નદીઓમાં જ્યારે પાણીની આવક વધી અને પાણી બહાર ફેલાયું ત્યારે તેની સાથે રાસાયણિક કચરો પણ વિવિધ વિસ્તારોમાં ફેલાયો જેના કારણે પ્રદૂષણ વધ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નંદેસરી નજીક આવેલા પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ અને નંદેસરીથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામ સુધીની 56 કિલોમીટર લાંબી એફ્યુઅંટ ચેનલ પાસે આવેલા અનેક ગામોમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાઇ ચૂક્યું છે. પર્યાવણર સુરક્ષા સમિતીએ સૂચન કર્યું છે કે જે ગામોમાં પ્રદુષણ વધારે પ્રમાણમાં ફેલાયું તેને તાત્કાલિક ધોરણે ખાલી કરાવીને તેની સફાઇ કરાવવામાં આવે.
જે ગામડાંમાં કેમિકલ પોલ્યુશનનું પ્રમાણ વધાર છે તેમાં જાસપુર, લુના, એકલબારા, ચોકારી, ચિથોર, કરખડી, દૂધવાળા, પીલુદરા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જંબુસર પાસે આવેલા રણમુક્તેશ્વર મહાદેવ પાસેના તળાવમાં પણ તેની અસર જોવા મળી છે.