
ગુજરાત-રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, NDRF તૈનાત!
રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા, આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના જરૂરી સાધન, સામાન અને ઉપકરણો થી સુસજ્જ ટીમો વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓએ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ કાર્ય ઝડપી અને સમયસર રાહત પહોંચાડી શકાય તે માટે પૂર્વ તૈયારીની ભાગે આ એનડીઆરએફની ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ ચોમાસું આફતો સામેની પૂર્વ તૈયારી અને સુસજ્જતા ના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી છે અને આણંદ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ આ અગમચેતી રાહત આપનારી બની છે.
બટાલિયન ૬ ના પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ આજે જરોદ મથકે થી વધુ ૫ ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે.આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો,સામગ્રી અને ઉપકરણો થી સજ્જ છે. પ્રી મોન્સુન ડિપ્લોયમેન્ટ ના ભાગરૂપે રાજકોટ માટે ૩ તથા સુરત અને બનાસકાંઠા માટે ૧/૧ મળીને કુલ ૫ ટીમો રવાના થઈ છે. જે ચોમાસાં દરમિયાન આ જિલ્લાઓમાં રહીને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં બચાવ અને રાહતની કામગીરી કરશે. આ વ્યવસ્થાથી તાકીદની જરૂર ના પ્રસંગે રિસ્પોન્સ ટાઇમ ખૂબ ઘટી જાય છે.
આ પ્રક્રિયા ચોમાસાના એંધાણ વર્તાવાની સાથે જ રાજ્ય સરકારના તંત્ર સાથે પરામર્શમાં શરૂ કરી દેવામાં આવી હતી.જેના ભાગરૂપે અગાઉ ૫ ટુકડીઓ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના ૨ જિલ્લાઓમાં મૂકી દેવામાં આવી હતી.આ ટુકડીઓ રાજ્યના ગીર સોમનાથ,નવસારી અને આણંદ તથા રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં હાલમાં ઉપસ્થિત છે.
આમ,બટાલિયન ૬ ની કુલ ૧૦ ટુકડીઓ હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું આફતોનો પૂર્વ ઇતિહાસ ધરાવતા જિલ્લાઓમાં હાજર છે. તાજેતરમાં આણંદ જિલ્લામાં પૂરની જે પરિસ્થિતિ સર્જાય તેમાં રાહત પહોંચાડવામાં આ પૂર્વ ઉપસ્થિત ટીમની મદદ મળી છે.