
બનાસકાંઠામાં હેલો ડોકટર બેન મફત કૉલ સેવાના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો
બનીસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા વધારવા અને કુપોષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી ચેરીટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા "હેલો ડોકટર બેન" મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી સાબુ અને પોષણ સાથે હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં 1.35 મિલિયન સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં થઈ રહી છે. ત્યારબાદ રાજ્યના 10 જિલ્લાઓમાં આ કાર્યક્રમને આગળ વધારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે "હેલો ડોકટર બેન" મફત કોલ સેવા કાર્યક્રમના પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ કારોબારી હોલ, જિલ્લા પંચાયત ખાતે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આ પ્રોજેક્ટનું નિદર્શન કરી પ્રોજેકટની રૂપરેખા અને માર્ગદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છતામાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવા માટેના બુદ્ધિશાળી અભિગમ સાથે મહત્વપૂર્ણ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગની ઉપસ્થિત તમામ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
"હેલો ડોકટર બેન" મફત કૉલ સેવા પ્રોજેકટ થકી સગર્ભા સ્ત્રીઓ અથવા નવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેનો સંદેશ પહોંચાડી શકાશે. તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમની અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પહોંચાડી શકાશે.