
પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે ગુજરાત સરકારના અટલ પ્રયાસ
દેશમાં સુરક્ષિત અને સંગઠીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના ભવિષ્ય માટે તો કાયદાકીય જોગવાઇ પ્રમાણે સરકારી કે જાહેર ક્ષેત્રની યોજનાઓ હોય છે. પરંતું, અસંગઠીત ક્ષેત્રમાં જોડાયેલા સેંકડો લોકોના ભવિષ્ય કે તેમના નિવૃતિ બાદની સુરક્ષા કે આર્થિક ઉપાર્જન પર કોઇ ઠોસ કાયદા કે સ્કિમ નથી. જેના કારણે આ ક્ષેત્રમાં દેશનો બહુવિધ વર્ગ નિર્ભર હોવા છતાં તેમના વૃદ્ધાવસ્થા દરમિયાન આર્થિક તંગી ભોગવે છે. પરંતું, હવે, આ અસંગઠીત ક્ષેત્રમાં જોડાયેલા કરોડો લોકોના ભવિષ્યને નિશ્ચિંત કરતી કેન્દ્ર સરકાર દ્વારા અમલી યોજના એટલે અટલ પેન્શન યોજના. કેન્દ્ર સરકાર દ્વારા 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના સ્વાવલંબન યોજના તરીકે પણ ઓળખાય છે.
અટલ પેન્શન યોજના માટે ગુજરાત સરકાર પ્રયાસરત
રાજ્ય સરકાર દ્વારા પણ નાગરિકોને આ પેન્શન યોજનામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ આ અટલ પેન્શન યોજનાથી નિવૃતિ બાદ લોકોના આર્થિક સ્ત્રોત જળવાય તે માટે પ્રયાસ કરાય રહ્યા છે. જેના પરિણામે, ગુજરાતમાં 92 ટકા જેટલો લક્ષ્યાંક હાંસલ કરી શકાયો છે. સૌરાષ્ટ્રમાં ગ્રામીણ બેંકો દ્વારા વધુ પ્રમાણમાં આ યોજના શરૂ કરવામાં આવી છે.
ખરેખર શું છે અટલ પેન્શન યોજના
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ અટલ પેન્શન યોજના દ્વારા કોઇપણ નાગરીક 20 વર્ષ સુધી માસિક બચત કરીને નિવૃતિના સમયે એક હજારથી 5 હજાર સુધી માસિક પેન્શન મેળવી શકે છે. અટલ પેન્શન યોજના માટે માસિક 42 રૂપિયા પ્રિમિયમથી શરૂઆત થાય છે. નાગરિકો 18 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી બચત કરીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને પેન્શન મેળવી પોતાનું નિવૃતિ બાદ વૃદ્ધાવસ્થામાં આર્થિક આધાર ઉભો કરી શકે છે. જો, 60 વર્ષ પહેલાં નિધન થાય તો આ રકમ તેના નોમિનીને મળવાપાત્ર થાય છે.
અટલ પેન્શન યોજનાથી થતા લાભ
સામાન્ય રીતે પોતાની બચત કરીને નિવૃતિ બાદ તેને પેન્શન તરીકે પરત મેળવી શકાય તેવી આ સ્કિમમાં સરકાર દ્વારા દરેક પાત્રતા ધરાવતાં ગ્રાહકોના ખાતામાં ગ્રાહકના હિસ્સા મુજબની રકમના 50 ટકા અથવા એક હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થાય છે. આ રીતે સરકાર દર મહિને 4 વર્ષ સુધી આ રકમ ગ્રાહકના ખાતામાં ઉમેરશે.
અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે બેંકમાં ખાતું ધરાવતી બ્રાંચનો સંપર્ક કરી અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરીને આપવાથી આ યોજના શરૂ કરી શકાય છે. જેમાં, જે તે તારીખથી દર મહિને નિશ્ચિત કરેલી રકમ ઓટો ડેબિટ થઇ જશે.
બનાસ બેંકના ડિરેક્ટર માવજીભાઇએ જણાવ્યું હતુ કે,
"ગ્રામીણ ક્ષેત્રના લોકોને પણ આ યોજનાનો લાભ લેતા થાય તે માટે બેંકો દવારા આઉટ રીચ કાર્યક્રમ કરવો જોઇએ. લોકોમાં યોજના વિશે જાગૃતિ કેળવાય અને નિવૃતિ બાદ આર્થિક તંગી ન ઉભી થાય તે માટે આ યોજના ખુબ કારગર છે."
આર્થિક રૂપે આત્મનિર્ભર બનાવવાનો સરકારનો પ્રયત્ન
સામાન્ય રીતે આ યોજના એક બચત યોજના સમાન છે, 40 વર્ષની ઉંમર સુધી બચત કર્યા બાદ 60 વર્ષની ઉંમરે જ્યારે, આવકના કોઇ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય ત્યારે, માસિક એક પાંચથી 10 હજારના પેન્શન દ્વારા નાગરિકો પોતાનું જીવન ગુજારી શકે તેવા કેન્દ્ર સરકારના પ્રયત્નોને સફળ બનાવવા તરફ ગુજરાત સરકાર પણ કાર્ય કરી રહી છે.